એક રાજાના બગીચામાં દ્રાક્ષની વેલ હતી અને તેના પરની મીઠી દ્રાક્ષ ખાવા એક ચકલી આવતી.ચકલી એટલી હોશિયાર હતી કે ખાટી દ્રાક્ષ નીચે ફેંકતી અને મીઠી દ્રાક્ષ જ ખાતી.રાજાને નવાઈ લાગતી કે એક નાનકડી ચકલી ખાટી અને મીઠી દ્રાક્ષ કઈ છે તે કઈ રીતે ઓળખી શકે છે. રાજા એક દિવસ છુપાઈને બેઠા.ચકલી આવી અને ખાટી દ્રાક્ષ નીચે ફેંકી મીઠી દ્રાક્ષ ખાવા લાગી.દ્રાક્ષ ખાઈને જેવી તે ઊડવા ગઈ કે રાજાએ તેને લપકીને પોતાના હાથોની મુઠ્ઠીમાં પકડી લીધી.ચકલી હવે રાજાની પકડમાં હતી.રાજાએ તેને પૂછ્યું, ‘કે તને કઈ રીતે ખબર પડે છે કે ખાટી દ્રાક્ષ કઈ છે અને મીઠી કઈ?’ ચકલી બોલી, ‘અરે રાજન, એમાં શું મોટી વાત છે; ભલે હું ચકલી હોઉં પણ હું મહા જ્ઞાની છું અને ઘણી જ્ઞાનની વાતો જાણું છું.’
રાજા ચકલીની વાતોમાં આવી તેને પૂછ્યું, ‘ચકલી, તું સાચે જ્ઞાની હોય તો મને ઉપયોગી થાય તેવી જ્ઞાનની વાતો મને સમજાવ.’ ચકલી બોલી, ‘રાજન્, તમે રાજા છો. તમારે હંમેશા ચેતતા રહેવું અને શત્રુનો હંમેશા બહાદુરીથી સામનો કરવો અને હાથમાં આવેલા શત્રુને ક્યારેય છોડવો નહિ.રાજન સાવ અસંભવ લાગે મન અને મગજ જે વાત માનવા તૈયાર ન હોય તેવી કોઈ પણ સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો નહિ.રાજન્ કયારેય વીતી ગયેલી વાત અને થઈ ગયેલી ભૂલનો અફસોસ કરવો નહિ.’
આટલી ત્રણ વાતો કરતાં ચકલીનો શ્વાસ ફૂલવા લાગ્યો. તેણે હાંફતાં અવાજે કહ્યું, ‘રાજન્ આગળ હું તમને સૌથી મહત્ત્વની જ્ઞાનની વાત જણાવું છું, પણ મારો શ્વાસ રૂંધાય છે. જરા તમારી પકડ ઢીલી કરો તો હું બરાબર શ્વાસ લઇ શકું.’ રાજાએ ચકલીની વાતોમાં આવીને તેમની હાથની મુઠ્ઠીની પકડ જરા ઢીલી કરી અને ચકલી ફરફર ઊડીને દૂર બેસી ગઈ.રાજા જોતા જ રહી ગયા. દૂર બેઠેલી ચકલી બોલી, ‘રાજન, તમે મને છોડી દીધી, પણ મારા પેટમાં અનેક અમૂલ્ય હીરા છે, જે હવે તમને નહિ મળે.’ રાજા ઓટે પકડ ઢીલી કરી જ કેમ તે વિચારીને હીરા ગુમાવ્યાનો અફસોસ કરવા લાગ્યો અને રાજાનો અફસોસ જોઈને ચકલી હસવા લાગી.
હસતાં હસતાં ચકલી બોલી, ‘રાજન્ હવે મહત્ત્વની જ્ઞાનની વાત, માત્ર સાંભળવા અને વાંચવાથી કંઈ નથી થતું.દરેક જ્ઞાનની વાતને સમજીને અમલમાં મૂકવી પડે છે.તમે મારી વાત માત્ર સાંભળી જ, સમજી નહિ.હું તમારી શત્રુ હતી, તમે મને પકડી લીધી હતી, પણ છોડી દીધી.મેં અસંભવ વાત કરી કે મારા પેટમાં અમૂલ્ય હીરા છે તે વાત માની લઈને તમે અફસોસ કરવા લાગ્યા.હવે તમે આ બધી ભૂલ પર વધુ પસ્તાવો કરશો.રાજન્ પસ્તાવો છોડી જ્ઞાનની વાતો યાદ રાખીને જીવનમાં ઉતારજો…’ આટલું કહીને ચકલી ઊડી ગઈ. જીવનમાં સાંભળેલા ,વાંચેલા ,શીખેલા ઉપદેશોને જીવનમાં ઉતારીશું નહિ ત્યાં સુધી તેનું કોઈ મૂલ્ય હોતું નથી.ઉપદેશોને સમજીને જીવનમાં ઉતારો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.