રી-સર્વેમાં નકશા–સ્થળ વિસંગતતા, ખેડૂતોનું જિલ્લા કલેક્ટરને આવેદન
છોટાઉદેપુર |
છોટાઉદેપુર તાલુકોના ઘોઘાદેવ ગામમાં ખેડૂત ખાતેદારોની જમીનોના રિ-સર્વેમાં મોટી વિસંગતતાઓ ઉભી થતાં આજે ખેડૂતોએ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન આપ્યું હતું. ખેડૂતો દ્વારા સમગ્ર ગામની જમીનનો તાત્કાલિક પુનઃ રિ-સર્વે કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ઘોઘાદેવ ગામમાં જમીનના સર્વે નંબરોનું રિ-સર્વે કરવામાં આવ્યું છે, જેમાં જૂના સર્વે નંબરોના બદલે નવા સર્વે નંબરો ફાળવવામાં આવ્યા છે તથા નવા નકશાઓ તૈયાર કરાયા છે. પરંતુ આ નવા નકશાઓમાં પૂર્વ–પશ્ચિમ, ઉત્તર–દક્ષિણ દિશાઓ ઉલટસૂલટ દર્શાવવામાં આવી છે. અનેક ખેડૂતોના સર્વે નંબરો સ્થળ પર એક તરફ અને નકશામાં બીજી તરફ દર્શાતા હોવાથી ગંભીર ગૂંચવણ ઊભી થઈ છે.
આ વિસંગતતાના કારણે જ્યારે પણ ખેડૂતોને નકશાની જરૂર પડે છે ત્યારે સ્થળની હકીકત અને નકશામાં દર્શાવેલ સ્થિતિમાં મોટો ફરક જોવા મળે છે. પરિણામે વીજળી કનેક્શન, જમીન સંબંધિત સરકારી પ્રક્રિયા તેમજ અન્ય વિકાસ કાર્યોમાં અડચણો ઊભી થઈ રહી છે અને ઘણા કામો અટવાઈ ગયા હોવાનું ખેડૂતોનું કહેવું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોએ આખા ગામની જમીનનો તમામ ખેડૂત ખાતેદારોને સાથે રાખી ફરીથી પુનઃ રિ-સર્વે કરવામાં આવે તેવી માંગ જિલ્લા કલેક્ટર સમક્ષ કરી છે. ખેડૂતોને આશા છે કે પ્રશાસન આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવશે.
રિપોર્ટર: સંજય સોની