વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વધુ એક ચોરીનો આરોપ
પ્રોફેસર બાદ હવે અન્ય રહેવાસીએ પણ કામવાળી વિરુદ્ધ નોંધાવી અરજી
(પ્રતિનિધિ), વડોદરા, તા.5
વડોદરા શહેરમાં ઘરકામ કરતી મહિલા દ્વારા ચોરી કરવાના કેસમાં વધુ એક ઉમેરો થયો છે. તરસાલી વિસ્તારમાં પારુલ યુનિવર્સિટીના એક પ્રોફેસરના મકાનમાંથી 17 તોલાથી વધુ વજનના સોનાના દાગીનાની ચોરીના આરોપ બાદ, હવે તે જ વિસ્તારના અન્ય એક રહેવાસીએ પણ સમાન આક્ષેપ સાથે કામવાળી બાઈ વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તરસાલીની મારુતિ ધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ પ્રતાપરાવ સાતભાઈ દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમની અરજી મુજબ, છાયાબેન બારીયા નામની મહિલા તેમના ઘરમાં કામ કરવા આવતી હતી. અશોકભાઈએ આક્ષેપ કર્યો છે કે ઘરમાં કામકાજ દરમિયાન છાયાબેને પરિવારના સભ્યોની નજર ચૂકવીને ચારથી પાંચ તોલા વજનના સોનાના દાગીનાની ચોરી કરી છે. અગાઉ, આ જ મહિલા સામે પ્રોફેસરના ઘરમાંથી 17 તોલાથી વધુ દાગીનાની ચોરીનો આરોપ લાગી ચૂક્યો છે. એક જ કામવાળી મહિલા પર વિસ્તારના બે જુદા જુદા પરિવારો દ્વારા મોટા પાયે સોનાના દાગીનાની ચોરી કરવાનો આક્ષેપ થતાં પોલીસે આ મામલે વ્યાપક તપાસ શરૂ કરી છે. બંને ફરિયાદોની સત્યતા ચકાસવા અને ચોરી કરાયેલા મુદ્દામાલની રિકવરી માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.