Godhra

ગોધરા સહિત દેશભરના 27 લાખ વીજ કર્મચારીઓ પાવર સેક્ટરના ખાનગીકરણના વિરોધ સાથે આવતીકાલે હડતાળ પર

પ્રતિનિધિ ગોધરા તા.12

ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર, ગોધરા સહિત દેશભરના આશરે 27 લાખ વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો આવતીકાલે, 12 ફેબ્રુઆરીના રોજ એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે. પંચમહાલ જિલ્લાના વીજ કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાઈને ખાનગીકરણની નીતિઓ સામે પોતાનો વિરોધ નોંધાવશે.
આ રાષ્ટ્રવ્યાપી હડતાળ મુખ્યત્વે પાવર સેક્ટરના ખાનગીકરણ, વીજળી (સુધારા) બિલ 2025 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ 2026ના વિરોધમાં બોલાવવામાં આવી છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આ નીતિઓ સામાન્ય ગ્રાહકો અને નાના ઉદ્યોગોના હિતમાં નથી. આ ઉપરાંત, વીજ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ પણ કરવામાં આવી છે.આ આંદોલનને સંયુક્ત કિસાન મોરચા અને વિવિધ ટ્રેડ યુનિયનોએ પણ ટેકો જાહેર કર્યો છે. હડતાળની અન્ય મુખ્ય માંગણીઓમાં પાવર સેક્ટરમાં આઉટસોર્સિંગ બંધ કરી સીધી ભરતી દ્વારા નિયમિત જગ્યાઓ ભરવા અને હાલના આઉટસોર્સ્ડ કામદારોને કાયમી કરવાની બાબત સામેલ છે. ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળના અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા તમામ વીજ કર્મચારીઓને આ હડતાળને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top