Panchmahal

ગોધરા શહેરમાં આન બાન અને શાન સાથે શ્રીગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળી હતી..

ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકથી આન બાન અને શાન સમી શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, ગોધરા શહેરના રામસાગર તળાવ ખાતે ગઈ કાલે વહેલી સવારથી કેટલાક મંડળો દ્વારા શોભાયત્રમાં જોડાયા વિના પણ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.

પંચમહાલ જિલ્લાના ગોધરાની શ્રીગણેશ પ્રતિમા વિસર્જન શોભાયાત્રા મધ્ય ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા માનવામાં આવે છે.આજે પાંચ દિવસ બાદ શ્રીજીને આવતા વર્ષે જલ્દી આવજોના જયઘોષ સાથે વિદાય આપવામાં આવી હતી , ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકથી આન બાન અને શાન સમી શ્રી ગણેશજીની વિસર્જન શોભાયાત્રાની પ્રથમ પ્રતિમાને સાંસદ,ધારાસભ્ય, કલેકટર, આઈજીપી, ડીએસપી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતીમાં પૂજા આરતી બાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અંદાજીત ત્રણ કિમી લાંબા શોભાયાત્રાના રૂટ ઉપર થઈ વાજતે ગાજતે શ્રીજી શોભાયાત્રા રામસાગર તળાવ ખાતે પહોંચ્યા બાદ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ૮૦ થી વધુ શ્રી ગણેશ મંડળો શોભાયાત્રામાં જોડાયા હતા.વહેલી સવારથી નાની શ્રીજીની પ્રતિમાઓનું રામસાગર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, એક અંદાજ મુજબ ગોધરામાં નાનીમોટી મળી એક હજારથી વધુ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.ગોધરાની શ્રીજી પ્રતિમા વિસર્જન શોભાયાત્રામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લા ઉપરાંત અમદાવાદ અને વડોદરાથી પોલીસ અધિકારીઓ બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવ્યા હતા, શોભાયાત્રા દરમિયાન લઘુમતી સમાજ દ્વારા શ્રીજીની પ્રતિમાઓ અને આયોજકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકમાં શ્રી ગણેશજીની વિસર્જન શોભાયાત્રા પ્રસ્થાન અગાઉ આડેધડ ફટાકડા ફોડતા જિલ્લા કલેકટર આશિષ કુમાર આકરા પાણીએ ચઢ્યા હતા, તંત્ર દ્વારા અનેક વાર સમજાવવામાં આવ્યા બાદ પણ બેફામ ફટાકડા ફોડતા યુવાનોને જિલ્લા કલેકટર દ્વારા ઉગ્ર બની ટકોર કરવામાં આવી હતી, મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી અને અન્ય અગ્રણીઓએ દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો, અનેકવાર યુવાનોને સમજાવવા છતાં યુવાનો ટસના મસ ન થતાં જિલ્લા કલેકટરે જાતે જઈને બેફામ બનેલા યુવાનોને સમજાવ્યા હતા.

Most Popular

To Top