Godhra

ગોધરા તાલુકાની કાંકણપુર કોલેજમાં પ્રેમચંદની 145મી જયંતિની ઉજવણી થઈ

વિદ્યાર્થીઓને તેમના સાહિત્યથી પરિચિત કરાવાયા

પ્રતિનિધિ ગોધરા તા.07
ગોધરા તાલુકાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંકણપુર ખાતે તાજેતરમાં હિન્દી સાહિત્યના મહાન લેખક પ્રેમચંદની 145મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના હિન્દી વિભાગ દ્વારા આયોજિત એક સેમિનારમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પ્રેમચંદના સાહિત્યિક યોગદાનને યાદ કર્યું હતું.

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. જગદીશ પટેલ અને સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ. યુ.એસ. પટેલ, હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ. જે.એલ. પટેલ, ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ. એસ.બી. પટેલ, કોમર્સ વિભાગના ડૉ. નીતિન ધમસાણિયા અને હિન્દી વિભાગના ડૉ. કે.જી. ચંદાણા સહિતના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. જે.એલ. પટેલ અને ડૉ. કે.જી. ચંદાણાએ પ્રેમચંદની વાર્તાઓ અને ઉપન્યાસોને કેન્દ્રમાં રાખીને વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે પ્રેમચંદના સાહિત્યમાં રજૂ થયેલા સમાજ, ગરીબી અને માનવતાના વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત સેમ-1ની વિદ્યાર્થીની એકતાએ પ્રેમચંદની પ્રખ્યાત વાર્તા “કફન” વિશે પરિચય આપીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. યુ.એસ. પટેલ મેડમે આભારવિધિ કરી હતી. આ સંગોષ્ઠીથી વિદ્યાર્થીઓને હિન્દી સાહિત્યના એક મહાન સર્જક વિશે વધુ જાણવાની તક મળી હતી.

Most Popular

To Top