ટોલ ટેક્સ છતાં હાલાકી: શું NHAI મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
વાવડી ટોલ પ્લાઝા પર સવાલ: ‘ખિસ્સા ભરવા માટે જ?’
ગોધરા- સેવાલીયા રોડ પર એકસઠ ચોકડી પાસે ખાડાઓ જીવલેણ બન્યા
ગોધરા: ગોધરાથી અમદાવાદ તરફ જતા NH-47 ધોરીમાર્ગ પર એકસઠ ચોકડી નજીક આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેના મસમોટા ખાડાઓએ વાહનચાલકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો કર્યો છે. ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાને કારણે માર્ગનું ધોવાણ થતાં સર્જાયેલા આ ખાડાઓ એટલા ગંભીર અને ઊંડા છે કે તેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમાઈ રહ્યા છે. વાહનચાલકો દ્વારા આ ખાડાઓના તાત્કાલિક સમારકામની માંગ ઉઠવા પામી છે.
અમદાવાદ-ઇન્દોર ધોરીમાર્ગ પર આવેલા વાવડી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવા છતાં રસ્તાઓની દયનીય હાલત જોઈને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોનું કહેવું છે કે, ટોલ ટેક્સના ભાવમાં વધારો કરવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા લોકોને કોઈ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી નથી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ હેઠળ, રસ્તાના ઉપયોગ માટે પૈસા ચૂકવવામાં આવે છે, ત્યારે સારી ગુણવત્તાવાળા રસ્તાની અપેક્ષા રાખવી સ્વાભાવિક છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે કે આ ધોરીમાર્ગ પરની “સેવામાં ખામી” સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
ગોધરાથી બાલાસિનોર, સેવાલિયા, અને ડાકોર તરફ જતા માર્ગમાં આવતી એકસઠ ચોકડી પાસેના ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે પડેલા આ ખાડાઓ અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યા છે. આ ખાડાઓની ગંભીરતાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, જેના કારણે વાહનો તેમાં પટકાય છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધકારમાં અચાનક ખાડાઓમાં ટાયર પડવાથી બાઈક સવારો ગંભીર અકસ્માતનો ભોગ બને છે, જ્યારે કારની અલાઈમેન્ટ ખોરવાય છે અને અન્ય ઘણા નુકસાન થાય છે. આ જીવલેણ ખાડાઓને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વાહનચાલકોની માંગ છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ ભયાવહ ખાડાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે. હાલની પરિસ્થિતિમાં NHAI કોઈ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જે અત્યંત ચિંતાજનક છે. શું NHAI આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાશે, તે જોવું રહ્યું. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ પાસે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે અપીલ કરી રહ્યા છે.