અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાના શિક્ષકના આક્ષેપથી તંત્રમાં દોડધામ
શિક્ષકની રજૂઆત બાદ ધારાસભ્ય સી.કે. રાઉલજી મધ્યસ્થી બન્યા: કામગીરીમાં સહાયક BLO અને સ્થાનિક આગેવાનોની મદદ મળશે તેવી ખાતરી
ગોધરા: પંચમહાલ જિલ્લામાં ચૂંટણી લક્ષી અને અન્ય વહીવટી કામગીરીના ભારણ તળે દબાયેલા શિક્ષકોની વેદના આજે સપાટી પર આવી હતી. ગોધરાના એક પ્રાથમિક શિક્ષકે SIR ની કામગીરી અને અધિકારીઓના કથિત માનસિક ત્રાસથી કંટાળીને સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વિડીયો વાયરલ કરતા સમગ્ર પંથકમાં અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
ગોધરામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનુભાઈ બામણીયાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો હતો. જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી SIRની કામગીરી માટે શિક્ષકો મોડી રાત સુધી જાગીને કામ કરે છે. આમ છતાં, તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા કામગીરી બાબતે સતત દબાણ કરી માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. કામના ભારણ અને અધિકારીઓના વલણથી નાસીપાસ થયેલા વિનુભાઈએ આખરે આત્મહત્યા કરવાનું પગલું ભરવાની ચીમકી આપી હતી.
જવાબદાર શિક્ષક દ્વારા સોશિયલ મીડિયા પર જીવન ટૂંકાવવાની વાત કરવામાં આવતા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું હતું. વિડીયો વાયરલ થયા બાદ તુરંત જ ઉચ્ચ અધિકારીઓએ શિક્ષક વિનુભાઈનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરી મામલો થાળે પાડવાની તજવીજ શરૂ કરી હતી.આ બાબતે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. શિક્ષક વિનુ બામણીયાએ ધારાસભ્યને રૂબરૂ રજૂઆત કરી હતી. આ મામલે ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જણાવ્યું હતું કે, શિક્ષકો પરનું ભારણ ઘટાડવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, હવેથી BLOની સાથે ‘સહાયક BLO’ ની પણ નિમણૂક કરવામાં આવી છે.વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે, એસ.આઈ.આર.ની કામગીરી માત્ર શિક્ષકોના ભરોસે નહીં રહે. આ કામગીરીમાં હવે ગામના સરપંચ, નગરપાલિકાના સભ્યો તેમજ સ્થાનિક કાર્યકરો પણ સાથે રહીને મદદ કરશે.