પ્રતિનિધિ ગોધરા તા.27
ગોધરા પાલિકા અને પ્રથમેશ એન્ટરપ્રાઇઝના સહયોગથી પ્રોજેક્ટનો પ્રારંભ; ધારાસભ્ય સી.કે. રાઉલજીએ અટલ ઉદ્યાન ખાતેથી કરાવ્યું લોકાર્પણ


ગુજરાતના ગોધરા શહેરે આરોગ્યપ્રદ સુવિધા ક્ષેત્રે દેશભરમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ગોધરા નગરપાલિકા અને નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઈઝના સંયુક્ત ઉપક્રમે ભારતનું સર્વપ્રથમ સાર્વજનિક ‘આલ્કલાઈન વોટર એટીએમ’ કાર્યરત કરવામાં આવ્યું છે. અટલ ઉદ્યાન ખાતે ધારાસભ્ય સી.કે. રાઉલજીએ આ પ્રોજેક્ટનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. આ સુવિધા દ્વારા નાગરિકોને અત્યંત મામૂલી દરે શુદ્ધ અને રોગપ્રતિકારક શક્તિ વધારતું પાણી ઉપલબ્ધ થશે.
આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા પ્રથમેશ એન્ટરપ્રાઈઝના સીઈઓ હરીશ જૈને જણાવ્યું હતું કે, ગોધરા નગરપાલિકા સાથે થયેલા એમઓયુ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૬ સ્થિર એટીએમ સેન્ટરો ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત, લોકોની સુવિધા માટે ૨ મોબાઈલ એટીએમ વાહનો પણ શરૂ કરાયા છે જે ઘરે-ઘરે જઈને આલ્કલાઈન પાણી પૂરું પાડશે. આલ્કલાઈન પાણી શરીરમાં એસિડિટી ઘટાડવા અને અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવા માટે ગુણકારી માનવામાં આવે છે.
સામાન્ય જનતાને આર્થિક બોજ ન પડે તે રીતે પાણીના દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ,૧ રૂપિયામાં 500 મિલી અને ૨૫ રૂપિયામાં 20 લીટર
નાગરિકો પોતાની બોટલ કે કેન લાવીને આ એટીએમમાંથી પાણી ભરી શકશે જેનાથી પ્લાસ્ટિક વેસ્ટ ઘટશે અને પર્યાવરણની જાળવણી પણ થશે.
લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય સી.કે. રાઉલજીએ પોતે પાણીનો ટેસ્ટ કરી ગુણવત્તાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ભારતમાં પ્રથમ વખત આવી પહેલ ગોધરાથી થઈ રહી છે તે ગૌરવની વાત છે. શુદ્ધ પાણી એ સુખાકારીની પાયાની જરૂરિયાત છે અને આ પ્રોજેક્ટથી લોકોના આરોગ્યમાં સુધારો થશે.”
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ સુનિલભાઈ લાલવાણી, ચીફ ઓફિસર આર.એચ. પટેલ સહિત પાલિકાના સભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.