વિકાસ કામોની ચર્ચામાં વિખવાદ: વાવડી ખુર્દમાં સરપંચ અને ગ્રામજન વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા
વાવડી ખુર્દ પંચાયતમાં હોબાળો, સામાન્ય સભામાં મારામારી થતાં મામલો બિચક્યો
પ્રતિનિધિ ગોધરા તા.11
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય સભા શાંતિપૂર્ણ ચર્ચાને બદલે અખાડામાં ફેરવાઈ ગઈ હતી. વિકાસના કામો અંગેની ચર્ચા દરમિયાન મામલો ઉગ્ર બનતા સરપંચ સાથે ઝપાઝપી અને મારામારી થયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે જેણે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.
પ્રાપ્ત વિગતો અને સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયો અનુસાર, વાવડી ખુર્દ ગ્રામ પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા ચાલી રહી હતી. સભામાં ગામના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન કોઈ મુદ્દે વાત વણસી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સભા દરમિયાન એક ગ્રામજને સરપંચ પર કેટલાક આક્ષેપો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. જોતજોતામાં શાબ્દિક ટપાટપી ઉગ્ર બની હતી અને મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સભામાં ઉપસ્થિત લોકો વચ્ચે છુટાહાથે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને સરપંચ સાથે પણ ગેરવર્તણૂક અને ઝપાઝપી થઈ હતી.

પંચાયત કચેરીમાં અચાનક સર્જાયેલા આ હોબાળાને પગલે ઉપસ્થિત અન્ય ગ્રામ આગેવાનો અને સભ્યોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જોકે, ગ્રામ પંચાયત જેવી લોકશાહી સંસ્થામાં આવા વરવા દ્રશ્યો સર્જાતા ગામના પ્રબુદ્ધ નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. હાલ તો આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે.