Godhra

ગોધરાના મહુલીયા પાસે ભંગારની આડમાં લઈ જવાતો રૂ.2.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

એલસીબીની નાકાબંધી દરમિયાન મારૂતિ વાનમાંથી દારૂ–બીયરનો જથ્થો જપ્ત, બે શખ્સોની ધરપકડ
(પ્રતિનિધિ) ગોધરા, તા.13
પંચમહાલ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કડક કાર્યવાહી કરતાં પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગોધરા તાલુકાના મહુલીયા ગામ પાસે ભંગારના સામાનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.2.60 લાખની કિંમતનો દારૂ, વાહન અને મોબાઈલ સહિત કુલ રૂ.3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે.
પંચમહાલ રેન્જના આઈજી સંદીપ સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાતની સૂચનાના અનુસંધાને જિલ્લામાં પ્રોહિબિશન ગુનાઓ સામે કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે. તે અંતર્ગત એલસીબી પીઆઈ એન.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર કાન્તીલાલને ચોક્કસ બાતમી મળી હતી કે દામાવાવ તરફથી એક મારૂતિ વાનમાં ભંગારની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફ લઈ જવાઈ રહ્યો છે.
આ બાતમીના આધારે એલસીબી ટીમે મહુલીયા ગામ ખાતે નાયરા પેટ્રોલ પંપ નજીક નાકાબંધી ગોઠવી હતી. બાતમી મુજબની મારૂતિ વાન નંબર GJ-16-AP-6163 આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી. શરૂઆતમાં વાનમાં પ્લાસ્ટિકનો ભંગાર ભરેલો દેખાયો હતો, પરંતુ ઝીણવટભરી તપાસમાં ભંગારની નીચે પ્લાસ્ટિક કેરેટમાં છુપાવેલી વિદેશી દારૂની 900 ક્વાર્ટર બોટલો અને 216 બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે વેજલપુરના અસરફ શોકત ભોલા અને ગોધરાના તોસીફ હુસેન સુઠીયાની સ્થળ પર જ ધરપકડ કરી છે. આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top