પ્રતિનિધી ગોધરા તા.31
ગોધરા શહેરમાં જૂની પોસ્ટ ઓફિસ વિસ્તારમાં એક રખડતા આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. આખલાના અચાનક આતંકથી બજારમાં ખરીદી કરી રહેલા લોકો અને વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.જેના કારણે થોડા સમય માટે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
બપોરના સમયે જ્યારે બજાર ભીડભાડવાળું હતું અને ગણેશ વિસર્જનને લઈને અધિકારીઓએ રૂટ ચકાસણીમાં હતા, ત્યારે આખલો અચાનક ગાંડોતૂર બન્યો અને રસ્તા પર દોડવા લાગ્યો. તેણે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનો અને લોકોને નિશાન બનાવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આખલાના ડરથી ઘણા વાહન ચાલકો પોતાના વાહનો રસ્તા પર જ મૂકીને સલામત સ્થળે ભાગ્યા હતા. આ ઘટનાના કારણે બજારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક દુકાનદારો અને લોકોએ ભેગા મળીને આખલાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખલાનો ગુસ્સો શાંત થતો નહોતો.જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ આ ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના પ્રશ્નને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે. લોકોની સલામતી માટે આવા પશુઓને પકડવા અને તેમને યોગ્ય સ્થળે રાખવા માટે કડક પગલાં લેવા જરૂરી બન્યા છે.