Godhra

ગોધરાના ગોવિંદીમાં SOGનો દરોડો, 105 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો

પ્રતિનિધિ | ગોધરા, તા. 06

ઉત્તરાયણના તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે 105.320 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમની હાજરીમાં કરાયેલી આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 24,223ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ મુજબ, આ શંકાસ્પદ પનીરનો જથ્થો ગોવિંદી ગામના પીપળીયા ફળિયામાં રહેતા કિશન સુભાષભાઈ વિરવાણીના ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ પનીરનો જથ્થો તેણે મહેસાણાથી વેચાણ અર્થે મંગાવ્યો હતો.
તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. દરોડા દરમિયાન હાજર રહેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પનીરના નમૂનાઓ લઈ તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર: આશિષ બારીયા, ગોધરા

Most Popular

To Top