ટ્રેક્ટર ચાલકો પાસેથી પૈસા વસૂલવાનો અને ધમકાવવાનો આરોપ
સરકારી વાહનોના દુરુપયોગની પણ ફરિયાદ
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરામાં ખનીજ વિભાગના અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ પર ગંભીર આરોપો લગાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રેક્ટર ચાલકોને રોકીને પૈસાની માંગણી કરવામાં આવતી હોવાના અને જો પૈસા ન આપે તો માર મારવાની ધમકીઓ આપતા હોવાના દાવા કરવામાં આવ્યા છે, જેના પગલે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ, જે પોતાને ખનીજ વિભાગનો સિક્યુરિટી ગાર્ડ ગણાવે છે, તે લાકડીનો મોટો ડંડો ગાડીની પાછળના ભાગે મૂકે છે અને આશ્ચર્યજનક રીતે પોતે સિક્યુરિટી હોવા છતાં ગાડી ચલાવતો નજરે પડે છે. આ ઉપરાંત, વીડિયોમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે ખનીજ વિભાગના કર્મચારીઓ ખાનગી વાહનોનો ઉપયોગ કરે છે જેમાં કાળા કાચ લગાવેલા હોય છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો દ્વારા એવો પણ દાવો કર્યો છે કે સરકારી ગાડીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે અને સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા જ આ ગાડીઓ ચલાવવામાં આવે છે.

આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખનીજ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. વીડિયોમાં લગાવવામાં આવેલા આરોપો અનુસાર, ખનીજ વિભાગના અધિકારીઓ ટ્રેક્ટર ચાલકો પાસેથી કાયદેસરની કાર્યવાહીને બદલે ગેરકાયદેસર રીતે નાણાં વસૂલી રહ્યા છે.
આ બાબતે ગુજરાત મિત્રના પ્રતિનિધિને ટેલિફોનિક સંપર્ક કરતા ખાન ખનીજ વિભાગના અધિકારી કમલેશભાઈએ જણાવ્યું હતું કે, “મારી ટીમના બે માણસો અને બે સિક્યુરિટી ને ટ્રેકટર સાથે પકડીને દરુણીયા બાજુ પટેલ વજન કાંટા તરફ આવી રહ્યા હતા, ત્યાં તેમના માલિક અને તેમના મળતીયાઓ અન્ય લોકો આવી સિક્યોરિટીને માર મારી શર્ટ ફાડી નાખેલ અને ટ્રેકટર લઈ ભાગી ગયેલ હતા ત્યારે ટ્રેકટરનો પીછો કરતા તે સમયે તેમના કોઈ ઓળખીતા આવીને કાળા કાચ છે એવું બધું કહી ગાડી રોકી રાખેલ હતી તે ગાડી અમારા સ્ટાફની હતી. અમારે ખાનગી ગાડી વારે વારે બદલવી પડે કેમ કે રેતી વાળા પાછળ પાછળ ફરતા હોય. આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે અને જે ટ્રેકટર લઈ ગયા હતા તેને અમે પોલીસ ને સાથે રાખી જપ્ત કરેલ છે.અને આગળની કાર્યવાહી શરૂ છે. તેમનો મુખ્ય હેતુ ટ્રેકટર ભગાડવાનો હતો.”