Panchmahal

ગોધરાના કાંકણપુર-છકડીયા રોડ પર બેફામ દોડતા ટ્રકથી અકસ્માતનો ભય


ગોધરા – અમદાવાદ હાઈવે પર ટોલ ટેક્સથી બચવા ભારે વાહનો કાંકણપુર થઇ પસાર થઇ રહ્યા છે

ગોધરા: ગોધરાના કાંકણપુરથી છકડીયા તરફના માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રક ચાલકો બેફામ રીતે વાહનો ચલાવી રહ્યાની ફરિયાદો ઉઠી છે. આ ભારે વાહનોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અંગે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

ગોધરા-અમદાવાદ હાઈવે પર વાવડી ટોલ પ્લાઝા ખાતે ટોલના દરમાં વધારો થતાં મોટા વાહનો ટોલ ટેક્સ બચાવવા માટે 61 ચોકડીથી કાંકણપુર થઈ ડો. મુવાડા રોડ પરથી પસાર થઈ રહ્યા છે. જેના પરિણામે આ માર્ગ પર મોટા વાહનોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે. બીજી તરફ આ માર્ગ આસપાસના ગામડાઓને જોડતો હોવાથી ગ્રામજનો પણ પોતાની રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ ખરીદવા માટે કાંકણપુર આવતા-જતા હોય છે. પરંતુ તેઓ બેફામ દોડતા ટ્રક અને ડમ્પરના કારણે તેઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને મોતને ભેટવાનો વારો આવી રહ્યો છે. આ એપ્રોચ માર્ગ પર ભારે વાહન ચલાવી શકાય તેવી સ્થિતિ જ ન હોવા છતાં ટોલ બચાવવાના કારણે ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે. આથી, ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જન્મી છે.
આથી, સ્થાનિક લોકોની સલામતી અને માર્ગ પર થતા અકસ્માતોને રોકવા માટે પોલીસ, આરટીઓ સહિતના તંત્ર દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવા અત્યંત જરૂરી બન્યું છે. બેફામ રીતે વાહનો ચલાવતા ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ માર્ગ પર ભારે વાહનોની અવરજવરને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં રેતી અને માટી ભરેલી ટ્રકો માર્ગ પર બેફામ રીતે દોડતી હોવાનું જાણવા મળ્યું છે. અને ટ્રાફિકનું બિલકુલ ધ્યાન રાખ્યા વગર એપ્રોચ રોડ ઉપર પણ વળાંકો અને સાંકડા રસ્તા ઉપર બેફામ ચલાવે છે. વિરુદ્ધ સાઇડથી વાહનોની સામે લઈ જાય છે. બિલકુલ ગભરાયા વગર એક્સિડન્ટ કરી શકે તેવા મોડમાં ટ્રક ચાલકો વાહન ચલાવતા જણાય છે. સ્થાનિક લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ બેફામ ટ્રક ચાલકો પર તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે. આ બાબતે સ્થાનિક રહીશોએ કલેક્ટરથી લઈને જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગને રજુઆત કરવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top