પ્રતિનિધિ ગોધરા તા.12
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે વણઝારા સમાજ દ્વારા પરંપરાગત ગણગૌર મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દેશભરમાંથી વણઝારા સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ચાર દિવસ ચાલેલા આ મહોત્સવનો પ્રારંભ મહિલાઓએ ઉપવાસ અને ઘઉંનું વાવેતર કરીને કર્યો હતો. ગામના પાદરેથી કાળી માટી લાવીને તેમાંથી ગણગૌર માતાની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી.મહોત્સવની રાત્રિએ જાગરણ અને લોકગીતોનું આયોજન થયું.જેમાં સમાજના પ્રસિદ્ધ નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા. ત્રીજા દિવસે શિખર સમારોહમાં માતાજીને મીઠો પ્રસાદ અર્પણ કરાયો અને બાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળી.

માતાજીના વિસર્જન સમયે એક અનોખી પરંપરા જોવા મળી, જેમાં ગામના વડીલો અને બાળકોએ લાકડીઓ સાથે યાત્રાને પાછી વાળવાનો પ્રયાસ કર્યો. તેમનો ભાવ હતો કે, “માતાજી, તમારે જવાનું નથી, અમારા ગામમાં જ રહો અને અમારી રક્ષા કરો.”સમાજના આગેવાનોએ જણાવ્યું કે, ‘ગણ’ એટલે ભગવાન શિવ અને ‘ગૌર’ એટલે માતા પાર્વતી. કુંવારી કન્યાઓ સારા પતિ માટે અને પરિણીત સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે આ તહેવાર ઉજવે છે. આ મહોત્સવ એકતા, સહકાર અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે.