Vadodara

ગોત્રી વિસ્તારમાં રોંગ સાઇડ આવતી કારે રિક્ષાને અડફેટે લીધી, બાળક સહિત મુસાફરો ઇજાગ્રસ્ત

વડોદરા શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત


(પ્રતિનિધિ) વડોદરા, તા. 6

વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે ગોત્રી વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઇડ પરથી આવતી ફોર વ્હીલર કારે ઑટો રિક્ષાને અડફેટે લેતાં મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, ગોત્રી વિસ્તારમાં આવેલા તારા સન હોટેલની સામે રોંગ સાઇડ પર આવી રહેલી ફોર વ્હીલર (નં. GJ-06-RD-3990)ના ચાલકે ઑટો રિક્ષા (નં. GJ-06-BW-4899)ને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે ઑટો રિક્ષામાં સવાર મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતમાં એક બાળકને ઇજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પહોંચી હતી.

શહેરમાં વારંવાર રોંગ સાઇડ ડ્રાઈવિંગ અને બેફામ ઝડપના કારણે અકસ્માતો વધી રહ્યા હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા ટ્રાફિક નિયમોના કડક અમલ અને પોલીસની વધુ સક્રિયતા જરૂરી હોવાનું જણાવી રહ્યા છે.

Most Popular

To Top