અખાદ્ય પદાર્થોનો નાશ, 13 લારીઓ-દુકાનો બંધ
ભાજપના કાઉન્સિલરની રજૂઆત બાદ પાલિકા આરોગ્ય વિભાગની તીવ્ર કાર્યવાહી
50 લિટર અખાદ્ય પાણીપુરીનું પાણી અને 15 કિલો કલરવાળી ભાજીનો નાશ, રજિસ્ટ્રેશન વગરની લારીઓ અને દુકાનો સામે કડક પગલાં
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા પાસે ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર શહેર કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગે તીવ્ર ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. આ કાર્યવાહી ભાજપના કાઉન્સિલર શ્રીરંગ આયરે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રના અનુસંધાનમાં કરવામાં આવી, જેમાં તેમણે સરકારી જગ્યામાં ગેરકાયદેસર લારીઓ ઉભી રહેવાના મુદ્દે તાકીદ કરી હતી અને અસામાજિક તત્વો તથા હપ્તાખોરીના આક્ષેપો કર્યા હતા.
ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓએ 50 લિટર અખાદ્ય પાણીપુરીનું પાણી, 15 કિલો કલરવાળી ભાજી તથા ચટણી સહિતના ખાદ્ય પદાર્થો સ્થળ પર જ નાશ કર્યા. ઉપરાંત રજિસ્ટ્રેશન વગર ચાલતી 10 જેટલી લારીઓ અને 3 દુકાનો તાત્કાલિક બંધ કરાવવામાં આવી. આરોગ્ય વિભાગના ડો. મુકેશ વૈદ્યે જણાવ્યું કે, ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની ટીમે આ કામગીરી હાથ ધરી હતી અને ખોટા, અખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ સામે કડક પગલાં લેવાયા હતા.
આ કાર્યવાહીથી ગોત્રી વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ ધરાવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. પાલિકા દ્વારા આવા નિયમિત ચેકિંગથી શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને જાહેર આરોગ્ય સુરક્ષિત રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.