પ્રથમવાર ત્રણેય પ્રવાહના ફોર્મ એકસાથે જાહેર
આગામી 6 ડિસેમ્બર, રાતના 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે
( પ્રતિનિધી )વડોદરા,તા.7
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આ વર્ષે વિલંબ બાદ અંતે શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં આ પ્રક્રિયા શરૂ થઇ જતી હોય છે, પરંતુ આ વર્ષે વિલંબ થતાં અને દિવાળી વેકેશન શરૂ થઈ જતાં, હવે વેકેશન બાદ શાળાઓ ખુલતાની સાથે જ બોર્ડે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું છે કે ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટસ-કોમર્સ એમ ત્રણેય પ્રવાહના બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા એક જ સાથે શરૂ કરવામાં આવી છે. અગાઉ, આ ત્રણેય પ્રવાહના ફોર્મ થોડા થોડા દિવસના અંતરે અને અલગ-અલગ મુદત સાથે ભરવામાં આવતા હતા. વિલંબના કારણે બોર્ડ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, શાળાઓ અને બોર્ડ ત્રણેયને વહીવટી સરળતા રહેશે. આ સાથે જ આ વર્ષે બોર્ડ પરીક્ષાની રેગ્યુલર ફીમાં પાંચ ટકા જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મ 7 નવેમ્બર, બપોરે 12 વાગ્યાથી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે આગામી 6 ડિસેમ્બર, રાતના 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. આ સમયમર્યાદામાં શાળાઓએ તેમના વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવા જરૂરી છે. વિલંબના કારણે હવે શાળાઓ પાસે ફોર્મ ભરવા માટે આશરે એક મહિનાનો સમયગાળો ઉપલબ્ધ છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ તારીખોને ધ્યાનમાં રાખીને, શાળાઓએ હવે ઝડપથી પ્રક્રિયા હાથ ધરી સમયસર ફોર્મ ભરવાના રહેશે જેથી વિદ્યાર્થીઓને આગામી ફેબ્રુઆરીની બોર્ડ પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન પડે.