Comments

ગરીબી દૂર કરવાનો ઉપાય: નાગરિકોને નેતા બનાવી દો

આપણી પ્રજાના પ્રતિનિધિઓ સેવા કરવા માટે જાહેરજીવનમાં આવે છે એવા કોઈ ભ્રમમાં હોઈએ તો વહેલી તકે નીકળી જવું જોઈએ. ગરીબીની રેખા નીચે જીવતો વ્યક્તિ જેવો સાંસદ બને કે ટોચની આવક ધરાવતા એક ટકો વર્ગમાં આવી જાય છે. હળવાશમાં કહેવું હોય તો એમ કહી શકાય કે, આ દેશની વસતીમાંથી ગરીબી નાબૂદ કરવી હોય તો આખા દેશના નાગરિકોને ધારાસભ્ય અથવા સાંસદ બનાવી દેવા જોઈએ! આપણી ગરીબી નાબૂદ થઈ જશે, દેશ જીડીપીની દૃષ્ટિએ પણ એકદમ સદ્ધર બની જશે, બજારો ફૂલગુલાબી તેજીમાં ચાલવા માંડશે અને આપણે ગરીબી નાબૂદ કર્યાનો એક નવો પ્રયોગ જગત સામે પેશ કરી શકીશું.

આવકના ધારાધોરણો મુજબ એક સાંસદની સરેરાશ વાર્ષિક આવક ઓછામાં ઓછી ૨૭.૬ લાખ રૂપિયાની થાય, જે સરેરાશ ભારતીયની માથાદીઠ આવકથી સોળ ગણી વધારે છે. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ એસી હવાઇ ઉડ્ડયનો, કમિટિની મિટિંગ દરમિયાન પંચતારક સવલતો, જે કાંઈ ભેટ-સોગાદ મળતી હોય તે તો લટકામાં. આ બધું ગણતરીમાં લઈએ એટલે આપણો ગરીબ દેશનો સાંસદ ટોચના એક ટકા ધનાઢ્યની આવકના ઝોનમાં તરવા માંડે.

કેટલાક કુટુંબોમાં તો બેથી માંડીને પાંચ સુધીના સભ્યો સાંસદથી માંડીને મુખ્યમંત્રી સુધીની ગરીબી ભોગવતા રહે છે. આ બધું કર્યા બાદ પણ એમનો કોઈ પરફોર્મન્સ રીપોર્ટ કાઢવાનો હોતો નથી. વધારાના પત્ર-પુષ્યમ્, કરોડોની બેનામી આવક પણ ગણવાની હોતી નથી. આમ, ગરીબી મિટાવાનો સરળ ઉપાય સ૨પંચથી માંડી જિલ્લા પંચાયતના અધ્યક્ષ, બૉર્ડ નિગમના સભ્યો, ધારાસભ્ય, મંત્રી, સાંસદ, કેન્દ્રીય મંત્રી કે પછી કોઈ મલાઈદાર બૉર્ડ નિગમના ચૅરમેન કે ડિરેક્ટર બનવાનો છે.

આ વર્ગને ગરીબીની પીડા સમજાય ખરી? જવાબ તમારા પર છોડું છું. આ ચલ સંપત્તિની વાત થઈ પણ જો અચલ સંપત્તિ (વેલ્થ)નો ઉલ્લેખ કરીએ તો તો વળી એથીયે આગળનું ચિત્ર ઉપસે છે. દરેક પ્રકારની અસ્ક્યામતો, દરેક પ્રકારની નામી-બેનામી આ અચલ સંપત્તિમાં આવે છે. સિનિયર સિટિઝન આનો આદર્શ દાખલો છે.

આ વર્ગને ખૂબ ઓછી અથવા લગભગ નહિવત્ કહી શકાય એવી પગારની આવક હોય છે પણ તેઓ તેમની બચત અથવા એ બચતમાંથી ઊભી કરવામાં આવેલ આવક ઉપર જીવી શકે છે. આવકવેરા ખાતાનો ૨૦૧૭-૧૮નો ડેટા કહે છે કે, ૮૧ લાખ કરતાં વધારે ટેક્ષ રિટર્ન વાર્ષિક ૫.૫ થી ૯.૫ લાખની આવકના ગાળામાં પડતા લોકો દ્વારા ભરાયા હતા. આ બધાનો સરેરાશ પગાર ૭. ૧૨ લાખ હતો. લગભગ ૨૮ ટકા જેટલા વ્યક્તિગત ટેક્ષ રીટર્ન્સ જે ૨૦૧૭-૧૮માં ભરાયાં તેમાં વ્યક્તિગત પગાર વર્ષે એક રૂપિયો અથવા વધારેનો સમાવેશ થઈ શકે.

આમ છતાંય મધ્યમ વર્ગ માટેની એક ચોક્કસ વ્યાખ્યાને અભાવે મધ્યમ વર્ગમાં કોનો સમાવેશ થાય એ સ્પષ્ટ નથી. નવેમ્બર, ૨૦૧૨માં ધી સેન્ટર ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટ, જે સ્વાયત્ત સંશોધન સંસ્થા છે, તેણે ભારતીય મધ્યમ વર્ગને વ્યાખ્યાયિત કરતાં એક એવા વર્ગ તરીકે ગણાવ્યો છે કે, આજના વૈશ્વિકરણના જમાનામાં આ વર્ગ પાસે વ્યાજબી કહી શકાય તેટલી આર્થિક સિક્યોરિટી છે.

નેશનલ સેમ્પલ સરવેનો ૨૦૦૯-૧૦નો ડેટા વાપરીને આ અભ્યાસલેખ ભારતીય મધ્યમવર્ગનો વ્યાપ લગભગ ૭૦ મિલિયન આંકતા જણાવે છે કે, આ લોકોની રોજિંદી આવક ૧૦ થી પ૦ ડૉલર વચ્ચે ૨૦૦૫માં અંદાજવામાં આવી હતી. પ્યૂ સેન્ટર પણ ભારતના મધ્યમવર્ગનો અંદાજ ૭૦ મિલિયન વ્યક્તિઓનો મૂકે છે. તાજેતરમાં જ એક ભારતીય સંસ્થા પીપલ રીસર્ચ ઓન ઇન્ડિયાઝ કન્ઝયુમર ઇકોનોમીક (પ્રાઈસ) દ્વારા રૂપિયા પાંચથી ત્રીસ લાખ સુધીની આવક ધરાવનારને મધ્યમ વર્ગમાં મૂકવામાં આવ્યો છે. સેન્ટર ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટ્સના સંશોધનના લેખમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે, ભારતનો મધ્યમ વર્ગ પણ ટોચના ભાગે વધુ ગીચ જોવા મળે છે.

આમ, લેટિન અમેરિકા અથવા પરિપક્વ પશ્ચિમની લોકશાહીની માફક ભારત હજુ સાચા અર્થમાં મધ્યમવર્ગીય સમાજનો દેશ દેખાતો નથી. પ્રાઇસના ચે૨૫ર્સન ૨મા બીજાપુલકર એમનાં પુસ્તક ‘એ નેવર બીફોર વર્લ્ડઃ અટ્રેકિંગ ધ ઇવોલ્યૂશન ઑફ કન્ઝયુમર ઇન્ડિયા’માં જણાવે છે કે, ભારતનો મધ્યમ વર્ગ ઘરગથ્થુ આવકની દૃષ્ટિએ વસતીના ૭૮ અને ૯૮ ટકાની વચ્ચે આવેલો છે, જેને ઉચ્ચ મધ્યમવર્ગ કહેવાય છે. કદાચ આ કારણથી જ પ્રમાણમાં પૈસાપાત્ર ભારતીયો પોતાની જાતને હજુપણ મધ્યમવર્ગમાં ગણાવે છે.

ધ સ્ટેટ ઑફ ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રીપોર્ટ-૨૦૨૪ મુજબ ભારતીય મધ્યમ વર્ગ ૨૦૨૦-૨૧ની સ૨ખામણીમાં ૨.૪ ગણો વધી ૧૦૦ કરોડ કરતાં વધુના આંકડે પહોંચ્યો છે એવું અનુમાન છે. આમ, આયોજનથી માંડી કોઈ પણ ગણતરી મૂકતાં પહેલાં ૧૪૫ કરોડની વસતીમાં ૧૦૦ કરોડની વસતી મધ્યમવર્ગ તરીકે વર્ગીકૃત કરી શકાય. એમાં પણ વાર્ષિક રૂ. ૩૦ લાખથી વધુ આવક ધરાવતો ૫.૬ કરોડ લોકોનો ધનિક વર્ગ અથવા ઉચ્ચ મધ્યમ વર્ગ અને રૂ. પાંચથી ત્રીસ લાખની વાર્ષિક આવક ધરાવતો ૪૩.૨ કરોડ લોકોનો મધ્યમ વર્ગ અને વાર્ષિક રૂ. ૧.૨૫ લાખથી પાંચ લાખ સુધીની આવક ધરાવતો ૭૩.૨ કરોડ લોકોનું જૂથ, જે મધ્યમવર્ગ તરફ જવા સતત પ્રયત્નશીલ છે અને એ અપેક્ષાથી દોડતું રહે છે, તેનો સમાવેશ કરી શકાય.

આમ, ભારતીય અર્થવ્યવસ્થા સંબંધિત, પછી તે કરવેરા હોય કે કલ્યાણ યોજનાઓ, આ ત્રણ જૂથને બુસ્ટર ડોઝ આપવામાં આવે, અતિ ધનિક વર્ગના ટોચના એક ટકાને કરવેરા કે સંપત્તિ વેરા જેવી આવક માટે દોહન કરવામાં આવે અને સાવ પાયામાં રહેલ વર્ષે લાખથી-સવાલાખની આવક ધરાવતા ૨૦ કરોડ જેટલા લોકોને વધુ લાભ અથવા વધુ કલ્યાણ યોજનાઓ થકી વધુ પૈસા તેમના હાથમાં મૂકવામાં આવે તો એ આવક અને સંપત્તિના સમતુલિત વિતરણની દિશામાં જવાનો એક મહત્ત્વનો પ્રયાસ બની શકે.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top