Vadodara

ગરબા થકી લાખો રૂપિયા કમાતા ધંધાદારી આયોજકોને એક રૂપિયામાં મેદાન શા માટે?

*પાલિકા તંત્ર દ્વારા એક રુપિયા ટોકને પાલિકાના મેદાનો ધંધાદારીઓને નહીં આપવા વિશ્વામિત્રી બચાવો સમિતિની માંગ*

*ખાનગી ધંધાદારીઓ ગરબા રમવા જોવા નગરજનો પાસેથી ટિકિટ અને પાસના નામે મોટી રકમ વસૂલે છે*

*વાહન પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ તથા જાહેરાતના હોર્ડિંગ્સ થી પણ મબલખ કમાણી કરે છે*


(પ્રતિનિધિ) વડોદરા તા.14


છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકા તંત્ર દ્વારા નવરાત્રીને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન હસ્તકના મેદાનો છે તે કોઇપણ પ્રકારની લાગત લીધા વિના ધંધાદારીઓને માત્ર એક રૂપિયાના ટોકનથી મેદાનો, પ્લોટ આપી દેવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સ્થાઇ સમિતિની બેઠકમાં પાલિકા હસ્તકનુ અકોટા સ્ટેડિયમ તથા 22 પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને લઇને વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા પાલિકાના પ્લોટો ધંધાદારીઓને ન આપવા માગ સાથે રજૂઆત કરવામાં આવી છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિના સંજય વાઘેલાએ રજૂઆત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા ધંધાદારીઓને એક રૂપિયાના ટોકને પ્લોટ, મેદાનોની નવરાત્રીના ગરબા માટે ફાળવણી કરી આપવામાં આવે છે. જ્યારે બીજી તરફ ધંધાદારીઓ દ્વારા આ પ્લોટ પર નવરાત્રી ના ગરબા રમવા, ગરબા જોવા માટે ટિકિટ અને પાસના નામે મોટી રકમ વસૂલે છે. સાથે જ પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ્સ, જાહેરાત માટેના હોર્ડિંગ્સ વાળાઓ પાસેથી પણ મબલખ કમાણી કરી રહ્યાં છે. પાલિકાના મેદાનો પ્લોટ્સ એ નગરજનોની માલિકીના ગણાય પરંતુ પાલિકા તંત્ર અમુક ચોક્કસ લોકોને કમાવવા, ફાયદો કરાવવા માટે પોતાની સતાનો દૂરપયોગ કરી ધંધાદારીઓને મેદાનો, પ્લોટ આપી ગરબા રમવા જોવા માટે પાસ વેચીને લૂંટ ચલાવવાની છૂટ જાણે આપી રહ્યાં છે. પાલિકા તંત્ર જનતઃની પ્રોપર્ટી એવા મેદાનોને ધંધાદારીઓને લૂંટ ચલાવવા આપવું તે ગુન્હો ગણા માટે પાલિકા હસ્તકના મેદાનો પ્લોટ ગરબા માટે ધંધાદારીઓને ન આપવામાં આવે તેવી માગણી મ્યુનિ. કમિશનર તથા સ્થાઇ સમિતિના ચેરમેન સમક્ષ કરી છે

Most Popular

To Top