વડોદરા: વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં કાળાબજારિયા દુકાનદારે અનાજ ઓછું આપતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.
એક તરફ રાજ્ય સરકારની બેદરકારીના કારણે સર્વર ઠપના ધાંધીયા થાળે પડ્યા ત્યાં નવી પરેશાનીનો આરંભ થયો. વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામમાં આજે હોબાળો મચી ગયો હતો. ગ્રામજનોને સરકાર દ્વારા અપાતા સસ્તા અનાજની દુકાનમાં દુકાનદાર ઓછું અનાજ આપતો હોવાના આક્ષેપ થતા તંત્ર દોડતું થઈ ગયુ છે. દુકાનદાર સરકારી અનાજના કાળાબજાર કરતો હોવાના આક્ષેપ તંત્ર સમક્ષ કરાયા હતા. એકત્ર થઇ ગયેલા ટોળાએ એવી પણ જાણકારી આપી હતી કે પેટા કોન્ટ્રાક્ટ મા દુકાન ચલાવતા દુકાનદારનું દુકાનની પાછળ ગોડાઉન આવેલું છે તેમાં સસ્તા અનાજનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરીને કાળાબજાર કરે છે. સરકારી તંત્ર તુરંત ઘટના સ્થળે દોડી જઈને વિગતવાર તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે સસ્તા અનાજની ચોરી રોકવા તંત્ર યેનકેન પ્રકારે સતર્ક રહીને કામગીરી કરે છે પરંતુ અનાજ માફીયાઓ તંત્રથી હંમેશા એક કદમ આગળ ચાલે છે. ગરીબોનું અનાજ કોઈ પણ રીતે સગેવગે કરી ને સરકારની આંખમાં ધૂળ નાખે છે. પુરવઠા વિભાગમા કેટલાક લાંચિયા કર્મચારીઓના પાપે અનાજ માફીયાઓ ખુલ્લે આમ અનાજ ચોરી કરે છે. અનાજ ચોરી કે કોઈ પણ પ્રકારની ગેર રીતી ઝડપાય તો કડક ગુનો દાખલ કરીને અનાજ ચોરોને આકરી સજા ફટકારી ને દાખલો બેસાડવા કાર્ડધારકો માંગ કરી રહ્યા છે