માત્ર ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ પડવાથી સમગ્ર પંથકમાં તેમજ યાત્રાધામ ડાકોરમાં પાણીથી વરસાદી માહોલ છવાયો
ખેડા જિલ્લામાં દરેક તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદની અછતથી ખેડૂતો સહિત સૌ કોઇ ચિંતિંત બની ગયા હતા. વાતાવરણમાં પણ ખુબ ઉકળાટ હતો. ખેતીવાડીમાં સિંચાઇ માટેની જરૂરિયાત સમયે જ મેઘરાજાએ હાથતાળી આપી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ ગતરોજથી ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં આનંદની અનુભૂતિ પ્રસરી ગઈ છે.
ઠાસરા તાલુકામાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ઠાસરા તાલુકામાં માત્ર ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ પડવાથી સમગ્ર પંથકમાં તેમજ યાત્રાધામ ડાકોરમાં પાણીમાં વરસાદી માહોલ છવાયો છે. ઠાસરા પંથકમાં ત્રણ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો ડાકોરના બજારો વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા .
ઠાસરા તાલુકામાં તેમજ ડાકોર ગામમાં સવારના પાંચ વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો. વરસાદ સવારમાં સામાન્ય જ પડતો હતો. ત્યારબાદ મંગળા આરતી ટાણે વરસાદ ધોધમાર વરસ્યો હતો. વરસાદ સતત ત્રણ કલાક ચાલુ રહ્યો હતો. ગણતરીના સમયમાં જ ડાકોરના તમામ વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા . મંદિર પરિસરની બહાર લગભગ બે ફૂટ પાણી ભરાયા હતા આજુબાજુ ની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
ડાકોરમાં ધોધમાર વરસાદથી બહાર ગામથી આવેલા વૈષ્ણવો તેમજ ડાકોરના રહીશો મંદિરની બહાર ત્રણેક ફૂટ પાણી ભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા. યાત્રાધામ ડાકોરમાં ડાકોર નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની ટ્રેનેડ લાઈન આજ દિન સુધી સાફ-સફાઈ ન કરવાથી પણ ગટર લાઈન જે જમીનમાં જાય છે ત્યાં ખૂબ જ પ્રમાણમાં કચરો હોવાથી પાણી લેતું નથી તેનાથી ડાકોર મંદિર બહાર ગોપાલપુરા વિસ્તાર ગણેશ ટોકીઝ વિસ્તાર જ્યાં સામાન્ય વરસાદ પડે છે ત્યારે બે ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે જેનાથી બાઈક હાંકનાર ગાડી ચલાવનાર તેમજ રસ્તે આવતા વૈષ્ણવો સાથે સાથે ડાકોરના રહીશો હેરાન પરેશાન થાય છે.
મંદિર વિસ્તારમાં ત્રણ ફુટ પાણી ભરાતાં વૈષ્ણવો, વિધાર્થીઓ નગરજનોને હાલાકી
યાત્રાધામ ડાકોરમાં જ્યારે પણ મુશદાદાર વરસાદ પડે છે. ત્યારે ત્યારે ડાકોરના અમુક વિસ્તારોમાં બે ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા ડાકોરના ભણતા વિદ્યાર્થીઓને તેમજ વૈષ્ણવો નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેની સાથે સાથે સિનિયર સિટીઝનો પણ આ વરસાદી પાણીમાંથી પસાર થાય છે ત્યારે તેઓને પણ પડી જવાનો ભય રહ્યા કરે છે. ડાકોર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીની નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેનાથી ગણેશ વિસ્તારમાં બેથી ત્રણ ફૂટ પાણી રોડ ઉપર આવી જાય છે. તેની સાથે સાથે ગટરના ગંદા પાણી પણ આવી જવાથી ઘણી જ મુશ્કેલીઓ સર્જાય છે.
નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં બબ્બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જવાથી ઘરવખરીની મોટું નુકસાન
યાત્રાધામ ડાકોરમાં વરસાદ પડવાથી નાની ભાગોળ પાસે, વેરાઈ માતા પાસેના વિસ્તારમાં આવેલા દરેક ઘરમાં બબ્બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાથી ઘરવખરીની નુકસાન થયેલ હતું . તેમજ સમાધિ પાસે કાસની સફાઈ ન થવાથી નાની ભાગોળ વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા હતા. ડાકોરની ગોમતી ની સફાઈ ન થવાથી તેના લીધે પાણી આગળ જતું નથી. જંગલી વેલો પાણી રોકી રાખે છે. ડાકોર મંદિર પાસેના વિસ્તાર તેમજ ગોપાલપુરા વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો નથી. જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે ડાકોરમાં પુર જેવી સ્થિતિ આવી જાય છે