કઠલાલ તા.15
કઠલાલ તાલુકાના ખલાલ ગામમાં ખેડૂતે જંગલી પ્રાણીથી પાકને બચાવવા ખેતર ફરતે કરેલી વાડના લોખંડના તાર સાથે જીઈબીના તારનું જોડાણ આપી કરંટ ઉતારી દીધો હતો. આ તારને અડી જતાં 5 વર્ષિય બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે કઠલાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખલાલ તાલુકાના ફુલાવત સીમ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ બાદરસિંહ ઝાલા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં એકાનોએક દિકરો નક્ષ (ઉ.વ.5) હતો. દરમિયાનમાં 20મી જાન્યુઆરી,24ના રોજ કાનજીભાઈ પરિવાર સાથે ઘરે હતાં, તે સમયે સાંજના ચારેક વાગ્યાના સુમારે તેમનો પુત્ર નક્ષ (ઉ.વ.5) નજીકમાં રમતો હતો અને રમતાં રમતાં તે નટવરસિંહ ઉદેસિંહ ઝાલાના ખેતર સુધી પહોંચ્યો હતો. જ્યાં ગામના બુધાજી સબુરજી ઝાલાએ રીંગણના પાકનું વાવેતર કર્યું હતું. આ ખેતર નજીક રમતાં રમતાં નક્ષ ખેતરના ફરતે બાંધેલા તારને અડી જતાં વીજ શોક લાગ્યો હતો અને સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો. આ અંગે કાનજીભાઈને જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. જોયું તો નક્ષ ખેતરમાં શેઢાની ઉપર રોપેલી લાકડાની થાંભલીઓ ઉપર લોખંડના તાર ઉપર લટકેલી હાલતમાં હતો. આથી, તુરંત તેને ઉતારવાની કોશીષ કરતાં કાનજીભાઈ અને તેમના ભાભી નંદીબહેનને પણ શોક લાગતા ફંગોળાઇ ગયાં હતાં. આથી, બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેમાં કુટુંબી ભરતભાઈ ગોવિંદભાઈ ઝાલાએ પકડ લાવી લાકડાની થાંભલીઓ પર વીંટાલેલા તાર નજીકમાં આવેલા જીઇબીના થાંભલા સાથે બાંધેલાં હતાં. જેથી ભરતભાઈએ ફટાફટ જીઇબીના થાંભલા પાસેથી જ લોખંડનો તાર પકડ વડે કાપી નાંખ્યો હતો. આથી, લોખંડના તાર ઉપર કરંટ આવતો બંધ થઇ ગયો હતો. બાદમાં નક્ષને તાર પરથી ઉતારી જોતા તેને ગળાના ભાગે અને બોચીમાં કરંટ લાગતા ચામડી દઝાયેલી હતી. આ અંગે તપાસ કરતાં બુધાજી ઝાલાએ નટવરસિંહના ખેતરમાં રીંગણનું વાવેતર કર્યું હતું. જેના રક્ષણ માટે તેઓએ ખેતરની ફરતે લાકડાની થાંભલીઓ રોપી લોખંડના તાર બાંધ્યાં હતાં. આ લોખંડના તાર તેઓએ ખેતરના બીજા શેઢે આવેલા જીઇબીના સિમેન્ટના થાંભલા અને જીઇબીના થાંભલાના ખુલ્લા અર્થીંગના તાણીયા સાથે બાંધી દીધાં હતાં. જે તાણીયાથી બુધાજીએ બાંધેલા લોખંડના તારમાં પ્રસારવ્યો હતો. જેથી તારને અડકી જતાં નક્ષને કરંટ લાગ્યો હતો. નક્ષ બેભાન હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે કઠલાલની હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ અંગે વીજ કંપનીની તપાસ બાદ રિપોર્ટ આધારે કઠલાલ પોલીસે બુધાજી સબુરજી ઝાલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ખલાલમાં વાડના તારને અડતા બાળકનું મોત
By
Posted on