રીક્ષા ચાલક અકસ્માત સમયે ફંગોળાઇ રસ્તા પર પટકાયો હતો
ખંભાતના કંસારી ગામમાં પુરપાટ ઝડપે જતી રીક્ષાના ચાલકની બેદરકારીથી તે ડિવાઇડર કુદી સામેના ભાગમાં જતી રહી હતી. જ્યાં કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. આ અંગે ખંભાત પોલીસે ગુનો નોંધ્યો હતો.
બોરસદના દહેવાણ ગામમાં રહેતા ઉપેન્દ્રસિંહ મોહનસિંહ પરમાર ડ્રાઇવીંગ કરે છે. ઉપેન્દ્રસિંહ સવારના સાતેક વાગ્યાના સુમારે તેના મિત્ર સંજય અરવિંદ પરમાર સાથે ઘરેથી કાર લઇને ખંભાત ખાતે ઘર વખરીની ખરીદી માટે નિકળ્યાં હતાં. તેઓ કંસારી ગામમાં ઓએનજીસી પાસે પહોંચ્યાં તે સમયે રીક્ષા પુરઝડપે ધસી આવી હતી અને અચાનક ડિવાઇડર કુદીને સીધી ઉપેન્દ્રસિંહની કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં રીક્ષાનો ચાલક નીચે રોડ પર પડી ગયો હતો. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ઘવાયેલા રીક્ષા ચાલકને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ફરજના પર તબીબે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.
આ અંગે ખંભાત પોલીસે તપાસ કરતાં અકસ્માત સર્જનાર રીક્ષાનો ચાલક મહેશ ભાઇલાલ પરમાર (રહે. ટીંબા કોઠિયાપુરા, ખંભત) હોવાનું બહાર આવ્યું હતું. મહેશે પુરઝડપે અને ગફલતભરી રીતે રીતે રીક્ષા હંકારતા તે ડિવાઇડર કુદીને ઉપેન્દ્રસિંહની કાર સાથે અથડાઇ હતી. જ્યારે મહેશ રીક્ષામાંથી નીચે રોડ પર પટકાતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે ખંભાત પોલીસે મહેશ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.