દસમા બારમાની પરીક્ષાઓ પૂરી થઈ અને શાળા કોલેજોની વાર્ષિક પરીક્ષાઓનો દોર શરૂ થયો.મે માસમાં ‘વેકેશનનો વૈભવ ‘એવું એક સમયે કહેવાતું પણ આજે તો વેકેશનમાં પણ બાળ શિબિર ,સમર કોચિંગ ક્લાસીસ અને એમાંય પછીનું વર્ષ દસમા કે બારમાનું હોય તો કોચિંગ ક્લાસીસવાળા આ બે બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરવા માટે અત્યારથી જ ક્લાસીસ ખુલ્લા મૂકી દે છે એટલે વેકેશનનું પણ બારમું થઈ જાય છે. વિદ્યાર્થીઓ વેકેશનના સમયમાં પણ મુક્તિ અને મોજમસ્તીનો અનુભવ કરી શકતાં નથી.
આખું વર્ષ સ્કૂલ અને ક્લાસીસની વચ્ચે દોડતાં વિદ્યાર્થીઓને માટે વેકેશન તેમને મનગમતી પ્રવૃત્તિઓ કરવાની તક પૂરી પાડે છે. મોબાઈલની ફેવર અને ક્રિકેટ ફીવરને કારણે ખો-ખો ,પકડદાવ ,હુતુતુતુ , સંતાકૂકડી જેવી શેરી અને મેદાની રમતો અને ઇન્ડોર ગેમ્સ ભૂલાતી જાય છે. પહેલાં તો મોટા ભાગનાં સગાં સંબંધીઓ એક જ શહેરમાં રહેતાં હોવાથી તેમના ઘરે જવામાં વેકેશન પૂરું થઈ જતું. આમાં પહેલી પસંદ મામાને ઘેર જવાની રહેતી. હવે તો મામાને ઘેર જવા ફોન ઉપાડીએ તો ખબર પડે કે મામા જ સહકુટુંબ લાંબી ટુર પર નીકળી ગયા છે. તો જવું ક્યાં?
સુરત – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે