National

કોવિડની રસીઓ અને ઓક્સિજનને આયાત ડ્યૂટીમાંથી મુક્તિ : જાણો કઇ વસ્તુઓને મુક્તિ અપાઇ?

નવી દિલ્હી: દેશ (INDIA) જ્યારે કોરોનાવાયરસજન્ય કોવિડ-19(COVID-19)ના રોગચાળાના બીજા ગંભીર મોજા(SECOND WAVE)નો સામનો કરી રહ્યો છે તેવા સમયે કેન્દ્ર સરકારે કોવિડ સામે રક્ષણ આપતી રસીઓ(VACCINE), મેડિકલ ગ્રેડ ઑક્સિજન (OXYGEN) તથા સંબંધિત સામગ્રી પરની આયાત ડ્યુટી (IMPORT DUTY) જતી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ મહિના સુધી આ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી અને તેના પરની સેસ લેવામાં નહીં આવે.

એક નિવેદનમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે કોવિડ-19 સામેની રસીઓ, મેડિકલ ઑક્સિજન તથા ઑક્સિજનને લગતી સામગ્રીની આયાત પરની કસ્ટમ ડ્યુટી તથા તેના પરની આરોગ્ય સેસ ત્રણ મહિન સુધી જતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રસીઓ પર કસ્ટમ ડ્યુટી દસ ટકા જ્યારે ઓક્સિજન પર કસ્ટમ ડ્યુટી પાંચ ટકા લાગુ પડે છે જ્યારે ઓક્સિજનને લગતી વિવિધ સામગ્રી પર પ થી ૧પ ટકાની ડ્યુટી અને આ તમામ પર પાંચ ટકા હેલ્થ સેસ લાગુ પડે છે. આ વસ્તુઓ પરની આયાત જકાત અને સેસ ત્રણ મહિના સુધી નહીં લેવાનો નિર્ણય વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ મળેલી એક બેઠકમાં લેવાયો હતો.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને વેગ આપવા માટે લેવામાં આવેલા પગલાંઓની સમીક્ષા સંદર્ભે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઘરમાં અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંભાળ માટે મેડિકલ ગ્રેડના ઓક્સિજન તેમજ તેને સંબંધિત જરૂરી ઉપકરણોનો પુરવઠો તાકીદના ધોરણે વધારવાની જરૂરિયાત છે. તમામ મંત્રાલયો અને વિભાગોએ ઓક્સિજન અને તબીબી પુરવઠાની ઉપલબ્ધતામાં વધારો કરવા માટે એકબીજા સાથે તાલમેલમાં કામ કરવાની જરૂર છે તે બાબત પર વડા પ્રધાને ખાસ ભાર મૂક્યો હતો. વડા પ્રધાનને માહિતી આપવામાં આવી હતી કે, રેમડેસિવીર અને તેના API પરથી તાજેતરમાં જ કસ્ટમ્સ ડ્યૂટી માફ કરવામાં આવી છે. એવું પણ સૂચન કરવામાં આવ્યું હતુ કે, દર્દીઓનો ઓક્સિજન પૂરો પાડવા સંબંધિત ઉપકરણોની આયાતને વધુ વેગવાન કરવાની જરૂર છે.

કઇ વસ્તુઓને આયાત જકાત, સેસમાંથી મુક્તિ અપાઇ?

કોવિડ-19 સામેની રસીઓ
મેડિકલ ગ્રેડ ઓક્સિજન
ફ્લો મીટર, રેગ્યુલેટર, કોન્સન્ટ્રેટર અને ટ્યુબિંગ સહિત ઓક્સિજન કોન્સન્ટ્રેટર
વેક્યૂમ પ્રેશર, સ્વિંગ એબ્સોર્પ્શન (VPSA) અને પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન (PSA) ઓક્સિજન પ્લાન્ટ્સ, પ્રવાહી/વાયુ ઓક્સિજનનું ઉત્પાદન કરતા ક્રાયોજેનિક ઓક્સિજન એર વિભાજક એકમો (ASUs)
ઓક્સિજન કેનીસ્ટર
ઓક્સિજન ભરવાની સિસ્ટમો
ઓક્સિજન સંગ્રહની ટેન્કો, ક્રાયોજેનિક સિલિન્ડરો અને ટેન્કો સહિત ઓક્સિજન સિલિન્ડરો
ઓક્સિજન જનરેટરો
ઓક્સિજનના શિપિંગ માટે ISO કન્ટેઇનરો
ઓક્સિજન માટે ક્રાયોજેનિક માર્ગ પરિવહન ટેન્કો
ઓક્સિજનના ઉત્પાદન, પરિવહન, વિતરણ અને સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોના ઉત્પાદન માટે વાપરવામાં આવતા હોય તેવા ઉપરોક્ત ઉપકરણોના ભાગો
જેમાંથી ઓક્સિજનનું ઉત્પાદન થઇ શકે તેવા અન્ય કોઇપણ અન્ય ઉપકરણ
નાસિક કેન્યૂલા સાથેના વેન્ટિલેટર્સ (હાઇ ફ્લો ઉપકરણ તરીકે કામ કરવા માટે સક્ષમ); તમામ એક્સેસરિઝ અને ટ્યુબિંગ સાથે કોમ્પ્રેસર; હ્યુમિડીફાયર અને વાઇરલ ફિલ્ટરો
હાઇ ફ્લો નાસિક કેન્યૂલા ઉપકરણ તમામ જોડાણો સાથે
નોન-ઇન્વેઝિવ વેન્ટિલેશન સાથે ઉપયોગમાં લેવાતા હેલ્મેટ
ICU વેન્ટિલેટર્સ માટે નોન-ઇન્વેઝિવ વેન્ટિલેશન ઓરોનેસલ માસ્ક
ICU વેન્ટિલેટર્સ માટે નોન-ઇન્વેઝિવ વેન્ટિલેશન નાસિકા માસ્ક

Most Popular

To Top