Charchapatra

કોલેજોના નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે

કોલેજોના નવા શૈક્ષણિક વર્ષ 2025–26 નો પ્રારંભ થઈ ગયો છે. યુનિવર્સિટીઓ દ્વારા નવા વર્ષનું કેલેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. જ્યારથી સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવી છે ત્યારથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમો અનુસાર શૈક્ષણિક કાર્યના જે દિવસો નક્કી કરવામાં આવ્યા છે તેટલા દિવસો શૈક્ષણિક કાર્ય થાય છે કે કેમ તે પ્રશ્ન છે? સેમેસ્ટર સિસ્ટમ દાખલ કર્યા પછી બન્યું છે એવું કે આખું વર્ષ દરમિયાન કોઈને કોઈ પરીક્ષા જ ચાલતી રહેતી હોય છે. કોલેજની ઇન્ટર્નલ પરીક્ષા, પૂરક પરીક્ષા, યુનિવર્સિટીની રેગ્યુલર સેમેસ્ટરની પરીક્ષા, યુનિવર્સિટી એ.ટી.કે.ટી.ની પરીક્ષા કે પછી એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા!

આખું વર્ષ દરમિયાન સતત પરીક્ષા ચાલતી રહેતી હોવાથી કોઈપણ કોલેજમાં શૈક્ષણિક કાર્ય નિયત કર્યા અનુસારના દિવસો માટે ચાલતું નથી પરિણામે શિક્ષણનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને ભણાવવાનું કે જે તે વિષયનું જ્ઞાન આપવાનું છે તે જ પર્યાપ્ત થતું નથી. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેનો તો જાણે અવકાશ જ રહેતો નથી. પશ્ચિમનું આંધળું અનુકરણ કરીને આપણે જે જે ફેકલ્ટીઓમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તેમાં પણ સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી છે અંગે પુનઃ વિચારણા કરવાની જરૂર છે. શૈક્ષણિક કાર્યના અપૂરતા દિવસોને પરિણામે અધકચરું જ્ઞાન લઈને મોટી સંખ્યામાં ગ્રેજ્યુએટ્સ બહાર પડી રહ્યા છે કે જેઓ માટે અધકચરા જ્ઞાનને પરિણામે એમ્પ્લોયમેન્ટ મેળવવાનું મુશ્કેલ બને છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

કોઈને કોઈની પડી નથી કારણ કે કોઈને હજી ‘પડી’ નથી
કોંગ્રેસ, બીજેપી, વિરોધી પક્ષો, સંઘ પરિવાર, મોદી–શાહ કે પછી અદાણી અંબાણી અને આ બધાની સાથે સાથે ભારતનું લોકતંત્ર, વહીવટી તંત્ર, ન્યાય તંત્ર, આરોગ્ય સેવાઓ, શિક્ષણ તથા સ્ટોક માર્કેટ એટલે કે સટ્ટા બજાર ઉપરાંત પ્રચાર તંત્ર, ફિલ્મો નાટકો કે લેખો ગીતો કે પ્રજાનું માનસ આ બધાનો વર્તમાન શંભુ મેળો એટલે કે હાલનું ભારત. હવે તેમાં બેરોજગારી, મોંઘવારી, ગોટાળા, દેવા આ બધા સાથે કોને અને કેવી રીતે, બધાની લેવા દેવા. 

કોઈને કોઈ જાતની પડી નથી કારણ કે કોઈને હજી ‘પડી’ નથી. પરંતુ બધાનું માનસ તો ‘પડશે તેમ દેવાશે’નું પરિવર્તિત થઈ ચૂક્યું છે ને! આ જ સીધો અને સરળ અભિગમ છે. નહીંતર ઊંડી ખાઈમાં ગબડી જશો અને તેમાં કદાચ બચી જાવ તો કોઈને કોઈ ગબડાવવા આવી જશે અગર તેવી દહેશત તમારી પાછળ સાથે સાથે ચાલી રહો હોય તેવું બધા અનુભવે છે. બસ આજ આપણો વિકાસ છે. વિચાર છે. વ્યવહાર છે. તમે જીવી રહ્યા છો બસ એ જ વિકાસ છે. કોઈને શું બીજું દેખાય છે ખરું? કંઈ છે અને કંઈ નથીમાં કોઈ ફરક નથી. 
મુંબઈ    – શિવદત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top