સુરતના અનોખા પાન-પાર્લરોની આ છે દાસ્તાન
33 વર્ષથી ઘંટો વગાડીને સુરતીઓને 50 વેરાયટીના ખવડાવાય છે પાન: અમરેશ મિશ્રા
બનારસથી સુરત આવેલા અમરેશ મિશ્રાને પાન ખાવાનો પણ શોખ છે અને જાતે પાન બનાવી બીજાને ખવડાવવું પણ ગમે છે, તેમને ત્યાં ઘંટો વગાડીને કસ્ટમરને પાન ખવડાવાય છે. તેમણે જણાવ્યું કે જ્યારે ગ્રાહક પૈસા આપે ત્યારે પહેલી વાર ઘંટો વગાડે. જ્યારે ગ્રાહકને પાન બનાવીને આપીએ અને ગ્રાહકને છુટા બાકીના પૈસા પરત કરીએ ત્યારે ઘંટો વગાડાય છે. બનારસથી લાવેલા આ ઘંટા પર રોજ ગલગોટાના ફૂલની માળા ચઢાવાય છે ઉપરાંત ઘંટા પર રુદ્રાક્ષની માળા પણ જોવા મળે છે. બનારસથી બનારસી પાન, કોલકાતાથી કલકત્તી પાન અને મઘઈ પાન ગયાથી મંગાવાય છે. વળી, યંગ જનરેશનની નવી નવી ડીમાંડને લઈને તેઓ 50 વેરાયટીના પાન બનાવે છે. હમણાં વોફલ ખૂબ ટ્રેન્ડમાં છે એટલે અહીં વોફલ, આઇસ પાન, આઈસ્ક્રીમ, ચોકલેટ, પિસ્તા ચોકલેટ જેવી વેરાયટીના પાન ખવડાવે છે.
ડિસ્કો પાન તરીકે મળી છે ઓળખ, શહેરના વિવિધ મંદિરોમાં જાય છે પાન: ચંદ્રકાન્ત વાડકર
ચંદ્રકાન્ત વાડકર અને તેમના ભાઈ દીપકભાઈ 43 વર્ષથી સુરતીઓને મીઠા અને કલકત્તી સાદા પાન ખવડાવી રહ્યા છે. તેમના 1000 અને ટ્રિપલ એક્કા પાન ઘણા ફેમસ થયા છે. ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે પહેલાં મેં પોતે એક વર્ષ એક પાનના ગલ્લા પર નોકરી કરી પાન બનાવવાનો અનુભવ મેળવ્યો પછી મેં લારી લગાવી પાન ખવડાવવાનું શરૂ કર્યું. બન્યું એવું કે લોકોની પાન ખાવા લાઈનો લાગતી એટલે બધા ગ્રાહકોને પહોંચી વળવા પાન બનાવવાની સ્પીડ વધારી એમાં મારા પગની મુવમેન્ટ ડાન્સ કરતા હોઈએ તેવી થતી એટલે લોકોએ ડિસ્કો પાન ઓળખ આપી. સ્ટેશન પર કોઈ મુસાફર રિક્ષાવાળાને કહે કે ડિસ્કો પાન જવું છે તો રિક્ષાવાળા અમારી દુકાને ગ્રાહકોને લઈ આવે. હવે મારા પગની મુવમેન્ટ ઘટી છે. આમારા પાન શહેરના અલગ અલગ મંદિર સાઈ મંદિર, ગણપતિ મંદિર, અંબાજી મંદિર, હનુમાન મંદિરમાં જાય છે. શનિવારે અને રવિવારે મંદિરોમાં સૌથી વધારે પાન જાય છે.
50 વર્ષથી કસ્ટમરના મોઢામાં પાન મૂકી ખવડાવવાની પ્રથા રાખી છે : મોહમ્મદ સાજીદ જીવશેઠવાલા
મોહમ્મદ સાજીદ જીવશેઠવાલાએ જણાવ્યું કે અમે સુરતીઓને પાન ખવડાવીએ છીએ. તેને 2025ના વર્ષમાં 50 વર્ષ પુરા થયા. દરેક ધંધાની જેમ અમારા પાન ખવડાવવાના બિઝનેસને પણ ધીમો પ્રતિસાદ મળ્યો. પણ લોકો ટ્રાય કરવા આવવા લાગ્યા અને પછી તો જે સફળતા અને પ્રતિસાદ મળ્યો તે 50 વર્ષે પણ બરકરાર છે. શરૂઆતમાં તો માત્ર સાદા અને મીઠા પાન જ ખવડાવતા પણ યંગસ્ટર્સને નવી નવી વેરાયટી જોઈએ એટલે ચોકલેટ ચિપ્સ પાન, ચોકોબાર ડીપ પાન શિંગોડા પેકિંગમાં અને ચોકોબાર રોલ પાન રોલના પેકિંગમાં આપવાનું શરૂ કર્યું. જ્યારે લંડન, કેનેડાથી કોઈ સુરત આવે તો પહેલા અમારે ત્યાં પાનનો ટેસ્ટ લેવા આવે. આ કન્ટ્રીમાં પાર્સલથી અમે પાન મોકલીએ છીએ. કસ્ટમર પ્રત્યે સ્નેહભાવ બતાવવા ડાયરેકટ તેમના મોઢામાં પાન મૂકી પાન ખવડાવીએ છીએ. 50 વર્ષમાં પાનની ગુણવત્તા બેસ્ટ રાખી હોવાથી લોકો અમારા પાન ખાવાનું પસંદ કરે છે.
75 વર્ષથી પાનના ધંધામાં છીએ, ચોકમાં જે દુકાન હતી તે ડિમોલિશનમાં તૂટી: મનીષભાઈ
મનીષભાઈ રેવડીવાલાએ જણાવ્યું કે અમારી પેઢી સુરતીઓને 75 વર્ષથી પાન ખવડાવી રહી છે. જોકે, પહેલા અમારી દુકાન ચોકમાં કમાલ ગલીમાં હતી પણ રસ્તો પહોળો કરવા માટે SMCએ ડિમોલિશન કરતા અમારી દુકાન તેમાં તૂટી હતી. હવે મારી અને મારા મોટાભાઈ વિજયભાઈની અલગ અલગ દુકાન છે. 75 વર્ષ પહેલા જ્યારે અમારી પેઢી શરૂ થઈ હતી ત્યારે 120, 135, સાદા અને મીઠા પાન ખાવાનું સુરતીઓમાં ચલણ હતું. 1980 પછી પાન ખાવાનું ચલણ વધ્યું. અમે આ જ બાપ-દાદાના સમયના ધંધાને વળગી રહેવા માંગીએ છીએ. હવે લોકો પાનમાં પણ વેરાયટી માંગે છે જોકે અમે માત્ર સાદા, મીઠા અને ચોકલેટ પાનની વેરાયટી રાખીએ છીએ. 75 વર્ષ પહેલાં તો ઘોડા ગાડી સુરતમાં ફરતી. ત્યારે કેટલાંક લોકો ઘોડાગાડીમાં પાન ખાવા આવતા હતા.