Columns

કુમળી વયનાં બાળકોને સ્માર્ટ ફોન આપતાં માબાપો તેમનાં દુશ્મન બને છે

મોબાઈલ ફોન બેધારી તલવાર જેવું ઉપકરણ છે. જો તેનો ઉચિત રીતે ઉપયોગ કરવામાં આવે તો માહિતીનો ભંડાર પ્રાપ્ત થાય છે પણ જો તેમાં વિવેક ન રાખવામાં આવે તો મોબાઈલ ફોન તન, મન અને ધનને બરબાદ કરવાનું સાધન બની જાય છે. આજ-કાલ ખાસ કરીને નવરી ગૃહિણીઓ અને નાની ઉંમરનાં બાળકો જે રીતે મોબાઈલ ફોનના ગુલામ બની ગયાં છે તે જોતાં લાગ્યા વિના રહેતું નથી કે મોબાઈલ ફોન તેમના માટે અભિશાપ બની ગયો છે. તેમાં પણ ખાસ કરીને અભણ ગૃહિણીઓ પોતાનાં દૂધ પીતાં બાળકોના હાથમાં મોબાઈલ ફોન આપીને જે રીતે હરખાતી હોય છે, તે જોઈને બાળકની દયા આવ્યા વિના રહેતી નથી. આ માતાઓ બાળકોને કુમળી ઉંમરે એવું ઝેર પાઈ રહી છે, જે બાળકનાં મોતનું કારણ પણ બની શકે છે. આવી તમામ મમ્મીઓ માટે દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદની સાચી ઘટના ખતરાની ઘંટડી સમાન છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક રહેણાંક સોસાયટીમાં ત્રણ સગીર છોકરીઓના મૃત્યુએ ટેકનોલોજીના આ યુગમાં પેરેન્ટિંગની ચર્ચા ફરી એક વાર તેજ બનાવી દીધી છે. ગાઝિયાબાદના શાલીમાર ગાર્ડનની આ ઘટના ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે અને ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. શાલીમાર ગાર્ડનના એસીપી અતુલ કુમાર સિંહે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે ટીલા મોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતાં ભારત સિટીમાં એક ઘટના બની છે.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય છોકરીઓ બહુમાળી ઇમારત પરથી પડી જવાથી મૃત્યુ પામી હતી. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લોનીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે છોકરીઓના ફોન તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા. ફોન જપ્ત કરવાના આઘાતમાં તેઓ શૂન્યમનસ્ક બની ગઈ હતી. મોબાઈલ વગરના જીવનની તેઓ કલ્પના પણ કરી શકતી નહોતી, જેને કારણે તેમણે પોતાની જિંદગીનો અંત આણ્યો હતો.

શરૂઆતની તપાસમાં એવું જણાય છે કે મોબાઈલ ફોન અને કોરિયન સંસ્કૃતિ પ્રત્યેનો આંધળો જુસ્સો આ ઘટનાનાં મુખ્ય કારણો હોઈ શકે છે. છોકરીઓ કોરિયન સંગીત, નાટકો, સેલિબ્રિટીઝ, જાપાનીઝ ફિલ્મો અને શિન-ચાન અને ડોરેમોન જેવાં કાર્ટૂન તેમજ ઓનલાઈન ગેમ્સની શોખીન હતી. તેઓ કોરિયન સંસ્કૃતિથી એટલી હદે પ્રભાવિત હતી કે તેમણે પોતાનાં નામ પણ બદલી નાખ્યાં હતાં. જો કે, બ્લુ વ્હેલ જેવી ટાસ્ક-આધારિત રમતોને આ ઘટનાનું એકમાત્ર કારણ ગણી શકાય નહીં. તેમનો પરિવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો અને કૌટુંબિક તકરારને કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. કોવિડ પછી પરિવારને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું અને તે ભારે દેવાદાર બની ગયો હતો.

થોડાં વર્ષો પહેલાં પરિવારે છોકરીઓને શાળામાંથી ઉઠાડી મૂકી હતી. પરિવારમાં પણ ઝઘડા થતા હતા. પિતા દીકરીઓ સાથે ખૂબ જ કડક વર્તન કરતા હતા. શરૂઆતમાં, છોકરીઓ પાસે બે મોબાઈલ ફોન હતા, જે તેઓ શેર કરતી હતી. પરંતુ આર્થિક દબાણને કારણે, પિતાએ છ મહિના aપહેલાં તેમાંથી એક વેચી દીધો હતો. ત્યાર બાદ તેમણે આપઘાતની ઘટનાના ૧૦-૧૫ દિવસ પહેલાં બીજો મોબાઈલ ફોન પણ વેચી દીધો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે ત્રણેય છોકરીઓનું મૃત્યુ વધુ પડતાં રક્તસ્રાવ અને ઇજાઓને કારણે થયું હતું. ઊંચાઈ પરથી પડવાને કારણે અનેક હાડકાં તૂટી ગયાં હતાં.

આ ઘટના પછી બાળકોમાં મોબાઈલ ફોનના વ્યસન વિશે ચર્ચાઓ ફરી તેજ થઈ ગઈ છે. જ્યારે પત્રકારોએ મૃતક છોકરીઓના પિતા ચેતન કુમારને તેમની આર્થિક મુશ્કેલીઓ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે મને ૨૦-૩૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, પરંતુ તેનો અર્થ એ નથી કે બાળકો આત્મહત્યા જેવું પગલું ભરશે. બાળકોએ તો પોતાનાં નામ પણ બદલી નાખ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે ચેતન કુમારને બે પત્નીઓ છે, જે બહેનો છે. તેની ભાભી પણ તેની સાથે ઘરમાં રહે છે. તેની બંને પત્નીઓથી તેને કુલ પાંચ બાળકો છે.

વ્યવસાયે સ્ટોક બ્રોકર ચેતને પત્રકારોને જણાવ્યું કે મારી દીકરીઓ કહેતી કે પપ્પા, આપણે કોરિયા જઈ રહ્યાં છીએ. તેઓ ભારતીય નામોથી ચિડાઈ જવા લાગી હતી. સોસાયટીમાં છોકરીઓના ઘરથી ફક્ત બે માળ નીચે રહેતા આરકે સિંઘાનિયા તે રાત્રે વિસ્ફોટના અવાજથી જાગી ગયા હતા. અવાજ સાંભળીને સોસાયટીનાં લોકો પોતાના ઘરની બહાર આવવા લાગ્યાં હતાં અને તેમણે ત્રણ છોકરીઓના મૃતદેહ જમીન પર પડેલા જોયા હતા. ત્યાર બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં ‘માફ કરશો પાપા’લખ્યું હતું. સોસાયટીમાં રહેતાં લોકો મોબાઈલ મેનેજમેન્ટ અને કાઉન્સેલિંગ અંગે ચર્ચા કરતાં હતાં.

બાળ મનોચિકિત્સક નિલેશ દેસાઈ કહે છે કે ફોનનું વ્યસન ડ્રગ્સના વ્યસન જેવું જ છે. કિશોરાવસ્થા એક નાજુક તબક્કો છે જ્યાં બદલાતા સમાજ સાથે ટેકનોલોજીનું આક્રમણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં, જ્યારે પરિવાર અચાનક કિશોર પાસેથી ફોન છીનવી લે છે, ત્યારે તે આપત્તિ પેદા કરે છે. બાળક માટે, આ કોઈ નશાકારક પદાર્થના વ્યસનથી ઓછું નથી. ફોનનો ઉપયોગ ડોપામાઇનને અસર કરે છે, એક હોર્મોન જે ખુશી લાવે છે. તે કોઈ પણ રસાયણ જેટલું શક્તિશાળી છે. જ્યારે માતાપિતા અચાનક બાળકોના ફોન છીનવી લે છે, ત્યારે તેઓ રસાયણના અભાવમાં ચાલ્યા જાય છે.

દિલ્હી સ્થિત મનોચિકિત્સક ડૉ. ભાવના બર્મી સમજાવે છે કે શાળામાંથી લાંબા સમય સુધી ગેરહાજરીનો અર્થ એ નથી કે શિક્ષણ ગુમાવવું. તે માનસિક નબળાઈઓની સાંકળ બનાવે છે. શાળા કિશોરોના સ્વસ્થ વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ માળખા તરીકે કામ કરે છે, ફક્ત હકીકતો શીખવા માટેનું સ્થળ નથી. મેં ઘણાં કિશોરો અને પરિવારોનું કાઉન્સેલિંગ કર્યું છે જ્યાં કે-પોપ, કે-ડ્રામા, કોરિયન સૌંદર્ય વલણો અને મૂર્તિઓ પ્રત્યેનું તીવ્ર આકર્ષણ ફક્ત સામાન્ય રસ કરતાં વધુ બની ગયો છે.

AI ચેટબોટ સાથે ચિક્કાર સામગ્રી અને ભૂમિકા ભજવવી વધુ નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે બાળકો એકલાં પડી જાય છે, જેમ કે વર્ષો સુધી શાળાએ ન જાય, ત્યારે ભાઈ-બહેનો એક જ વિષયવસ્તુ પર ઊંડું બંધન બનાવી શકે છે. તેઓ એકસાથે જુએ છે, ચર્ચા કરે છે અને એકીકૃત કોરિયન વ્યક્તિત્વ બનાવે છે. આ આપણે વિરુદ્ધ દુનિયાનો પરપોટો બનાવે છે, જ્યાં કલ્પના તેમની એકમાત્ર સલામત અને ઉત્તેજક જગ્યા બની જાય છે. બંને મનોચિકિત્સકો કહે છે કે બાળકોમાં પેદા થતી આવી સ્થિતિમાં માતાપિતાએ ગભરાવાની જરૂર નથી.

માતાપિતા તેમનાં બાળકોના ફોનના વ્યસનને નિયંત્રિત કરવા માટે આ પગલાં લઈ શકે છે. તેમણે પોતાના ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને પોતાનાં બાળકો માટે રોલ મોડેલ બનવું જોઈએ. બાળકોને કેટલી ઉંમરે મોબાઈલ ફોન હાથમાં આપવો તે નક્કી કરવું બહુ મહત્ત્વનું છે. મોબાઈલ ફોન આપવાની જરૂર હોય તો પણ તેને સ્માર્ટ ફોનને બદલે સાદો ફોન આપવો જોઈએ, જેનો ઉપયોગ માત્ર વાત કરવા માટે જ થઈ શકે છે.

તદ્દન નાની ઉંમરનાં બાળકોને તો સ્માર્ટ ફોન તો શું, સાદો મોબાઈલ ફોન આપવાની પણ જરૂર નથી. જો બાળક ૧૨ વર્ષની ઉપરનું હોય અને તેને સ્માર્ટ ફોન આપવામાં આવે તો પણ દિવસમાં કેટલા કલાક તેમના ફોન અથવા આઈપેડનો ઉપયોગ કરી શકે તેની સમયમર્યાદા નક્કી કરો. મોબાઈલ ફોનના ઉપયોગને નિયંત્રિત કર્યા પછી રમતગમત જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપો અને તેમની સાથે વાતચીત કરતાં રહો. જે માબાપો બાળકોનાં દુશ્મન હોય છે તેઓ જ તેમને બેફામ મોબાઈલનો ઉપયોગ કરવાની છૂટ આપે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top