શ્રી કુબેરેશ્વર મંદિરના વહીવટના વિવાદમાં ચેરિટી કમિશનરના અધિકારીઓ કરનાળી પહોંચ્યા
શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાનની તરફેણમાં થયેલા હુકમના અમલીકરણ માટે પોલીસ, પ્રશાસન સાથે ચેરિટી કમિશનરના અધિકારીઓની બેઠક
વડોદરા: કરનાળી સ્થિત શ્રી કુબેરેશ્વર મંદિરના વહીવટના વિવાદમાં ચેરિટી કમિશનર દ્વારા શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાનની તરફેણમાં પંચાયતી અખાડાએ હટાવી નાખેલી દાન પેટીઓ ફરી મંદિરમાં મુકી પરંપરાગત પુજારીઓને સેવા માટે મંદિરમાં પ્રવેશ આપવા અંગેનો વચગાળાનો હુકમ કરાયો છે.
નર્મદા જિલ્લાના કરનાળી સ્થિત શ્રી કુબેરેશ્વર મંદિરના વહીવટ બાબતે પાછલા કેટલાક સમયથી ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં મંદિરનો વર્ષોથી વહીવટ સંભાળતા શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટની દાનપેટીઓ મંદિરમાંથી હટાવી દઈ પંચાયતી અખાડાની દાન પેટીઓ મૂકી પુજારીઓની ઓરડીઓ તોડી નાખી મંદિરમાં વર્ષોથી સેવા આપતા પુજારીઓને મંદિરમાંથી બહાર કાઢી મૂકવા સહિતના અનેક મનસ્વી નિર્ણયોના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાનએ સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ દાદ માંગતા આજરોજ ચેરિટી કમિશનરના અધિકારીઓ ચાણોદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન તરફેણમાં હુકમ થયો હોવા છતાં હુકમના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે તે અંગે કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની આગામી સુનાવણી તા- ૨૬/૦૫/૨૦૨૫ના રોજ રાખવામાં આવી છે.
સંયુક્ત કચેરી કમિશનર વિભાગ વડોદરા તરફથી સુચના સાથેનો હુકમ જારી કરાયો
તા- ૨૭/૦૪/૨૦૨૫ પહેલા તાત્કાલિક ધોરણે મંદિર પરિસરમાં મૂકેલી અન્ય સંસ્થાની દાનપેટી હટાવી શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થાન એ/૬૮૬/વડોદરાના નામની દાનપેટી મૂકવા અને પહોંચ-પાવતી પણ સંસ્થાના એટલે કે શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થાન એ/૬૮૬/વડોદરા ના નામની રાખવા સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે. આ સૂચનાનો અમલ કરવા તમામ ટ્રસ્ટીઓ અને વહીવટકર્તાઓને જાણ કરવામાં આવે છે. જો આ સૂચનાનો અમલ કે પાલન નહી કરવામાં આવે તો,પ્રવર્તમાન કાયદાની જોગવાઇને વિપરીત અસરો ઉભી થશે તેની તમામ જવાબદારી તમામ ટ્રસ્ટીઓ અને વહીવટદારના શિરે રહેશે. તેમજ સંસ્થા લગત ચાલતા વાદવિવાદો સંબંધે જે કોઇપણ અત્રેની કચેરીમાં કેસો પેન્ડીંગ છે અને તે જ્યાં સુધી ન્યાય નિર્ણિત કરવામાં ન આવે ત્યાં સુધી નાણાકીય કે અન્ય વહીવટી કામકાજ અત્રેની કચેરીને લેખિતમાં જાણ કરી તેવા ખર્ચાઓ કે વ્યવહારો અત્રેથી મંજૂર કરવામાં આવશે, ત્યારબાદ જ તેવા નાણાકીય વ્યવહારો કરવાના રહેશે. જો કોઇ સાધનસામગ્રી ખરીદવાની થાય તો તેવી ખરીદી ન્યાય પરચુરણઅ.નં- ૯/૨૪ માં આપેલ સૂચના મુજબ સંસ્થાને ફાયદો થાય તે રીતે ખરીદી કરી તે ચુકવણાના બીલ અત્રેની કચેરી સમક્ષ રજુ કરી મંજૂરી મેળવી ચેકમાં કાઉન્ટર સહી કર્યા બાદ, તે નાણાં બેન્કમાંથી ઉપાડવા માટે સામાવાળા નં- (૩) શ્રી પરિન્દુ કનૈયાલાલ ભગત તથા (૪) શ્રી ભરતભાઇ વિદુરભાઇ ભગત, એમ બન્નેની સંયુકત સહિથી ટ્રસ્ટની તમામ બેન્કોમાં નાણાની લેવડ-દેવડ કરવાની રહેશે. વંશપરંપરાગત રીતે પૂજા કરતા પૂજારીઓને અગાઉથી ચાલી આવતી પ્રણાલિકા મુજબ મંદિરના પૂજારીઓને જ પૂજા કરવા દેવી તે મુજબની તમામ વ્યક્તિ ટ્રસ્ટીઓને સૂચના આપવામાં આવે છે. મંદિરમાં હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ ટ્રસ્ટીઓ દ્વારા જે બાઉન્સરો મૂકવામાં આવેલા છે તે આવા ધાર્મિક સ્થળે ભયનું વાતાવરણ ઉપસ્થિત થાય છે જેથી સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ અને વહીવટકર્તાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે આવા બાઉન્સરોની સેવા રદ કરી સંસ્થાના વિસ્તારમાં આવેલા પોલીસ કચેરીના તાબા હેઠળ આવેલા હોમગાર્ડોની સેવાઓની મદદ લેવી. જરૂર જણાય તો સંસ્થા દ્વારા લોકોની સુરક્ષા અર્થે પ્રાઇવેટ સિક્યુરિટી પોલીસ તંત્રના સાથે રહી કામગીરી કરી શકે છે. તથા દાનપેટી તેમની નિગરાનીમાં રાખી સીલ કરવાની કામગીરી કરવાની રહેશે. .