
ગામના પ્રથમ અને એકમાત્ર પીએચ.ડી. પ્રો.ડૉ. સુરવીરસિંહના પુસ્તકનું વિમોચન પૂ.મોરારિબાપુના હસ્તે
ગામના વતની અને હાલ સુરત રહેતા પ્રોફેસર ડૉ.સુરવીરસિંહ ઈશ્વરસિંહ ઠાકોર ઓલપાડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંસ્કૃત વિષયના પ્રોફેસર છે. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવે છે. સુરવીરસિંહ ગામના પ્રથમ અને એકમાત્ર પીએચ.ડી.ની પદવી મેળવનાર વિશિષ્ટ વ્યક્તિ છે. વીર નર્મદ યુનિવર્સિટી સુરતના સેનેટ સભ્યપદે રહી ચૂક્યા છે. ઉચ્ચ શિક્ષણ વિભાગમાં 36 વર્ષનો ખૂબ મોટો અનુભવ ધરાવતા સુરવીરસિંહ પીએચ.ડી. એડમિશન કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. સંસ્કૃત પર પ્રભુત્વ ધરાવતા હોવાથી સંસ્કૃત વિષયના 11 જેટલાં પુસ્તકનું પ્રકાશન કર્યું છે. તેમના દ્વારા લખાયેલ માધવાચાર્ય વિરચિત शंकर दिग्विजय: મહાકાવ્યની કાવ્યશૈલી પુસ્તકનું વિમોચન તલગાજરડા ખાતે પૂ.મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ પર કરાયું હતું. જે પ્રસંગ જીવનનો અવિસ્મરણીય પ્રસંગ હોવાનું તેઓ જણાવે છે. ડો.સુરવીરસિંહની દીકરી ડૉ.વૈદેહી અને દીકરો ડૉ.ભવ્યરાજસિંહ બંને BHMS છે. પત્ની અલકાબેન ઠાકોરનો અભ્યાસ M.A.Bed છે. જેઓ હાલ એમ.એમ.પી. ગર્લ્સ હાઈસ્કૂલ, રાંદેરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આમ, ગામના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ ક્ષેત્રનું મહત્ત્વ સમજાવતો પ્રેરણારૂપ પરિવાર બન્યો છે. આખો શિક્ષિત પરિવાર ગામને ગૌરવ અપાવે છે.
જ્યાં ભણ્યા, જ્યાં શિક્ષક રહ્યા, એ જ શાળામાં ટ્રસ્ટી પદ શોભાવતા નટવરસિંહ ઠાકોર

મિતભાષી વ્યક્તિત્વ ધરાવતા નિવૃત્ત શિક્ષક નટવરસિંહ બહાદુરસિંહ ઠાકોર ગામની સન્માનનીય વ્યક્તિ છે. 1975ની સાલમાં સુરતની એમટીબી કોલેજમાં અભ્યાસ કરી જાણીતા કટાર લેખક ડૉ.ગુણવંત શાહ અને સ્વ.ડૉ.શશીકાંત શાહ પાસે તેઓએ કોલેજ શિક્ષણ લીધું હતું. કીમની પી.કે.દેસાઈ વિદ્યાલયમાં 37 વર્ષ ભાષા વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. નિવૃત્તિ છતાં કીમની પી.કે.દેસાઈ વિદ્યાલય, સાધના કુટિર હોસ્પિટલ, મૂળદ મુક્તિધામ સહિત વિવિધ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. કીમ એજ્યુકેશન સોસાયટીની સાહિત્ય-નૃત્ય-નાટ્ય કલા અકાદમીના તેઓ સંયોજક રહી યુવાનો, બાળકો, મહિલાઓને વિવિધ ક્ષેત્રે પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ કરતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કીમની પી.કે.દેસાઈ વિદ્યાલયમાં તેઓએ અભ્યાસ કર્યો, ભાષા શિક્ષક રહ્યા અને આજે આ જ શાળામાં ટ્રસ્ટી પદે રહી પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કરી રહ્યા છે.
ગામને મળ્યો છે ટી.બી.મુક્ત ગામનો એવોર્ડ

ગામ પંચાયતને વર્ષ 2023-24નો ટી.બી મુક્ત ગામનો એવોર્ડ મળ્યો છે. સરપંચ દિલીપસિંહ ઠાકોરે આ એવોર્ડ સ્વીકારી પંચાયત અને ગામજનોની આરોગ્યલક્ષી પ્રતિબદ્ધતાનાં દર્શન કરાવ્યાં છે. ગામ પંચાયતને મળેલો ટી.બી.મુક્ત ગામ એવોર્ડ માત્ર આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ નહીં, પણ ગામની એકતા, સંકલ્પ અને પંચાયતના સફળ કર્તાહતાઓ અને હેલ્થ વર્કરોને આભારી છે.
કોમી એકતા: કઠોદરાના મુસ્લિમ પરિવારે એક ગુંઠા જમીન મીઠા પાણી માટે આપી હતી
33 વર્ષ અગાઉ ગામના લોકો ક્ષારવાળું પાણી પીવા મજબૂર હતા. બે-ત્રણ કૂવા બનાવ્યા એનું પાણી પણ મોળું અને ક્ષારયુક્ત હોવાથી મીઠા પાણીની તકલીફ હતી. કીમામલીની બાજુનું મુસ્લિમ બહુમતી ધરાવતા કઠોદરા ગામનું પાણી ખૂબ મીઠુ હતું. કઠોદરાના મુસ્લિમ પરિવારના ઇબ્રાહિમભાઈ મામુ જેઓ તાલુકા પંચાયતના એ સમયે સભ્ય હતા. એક દિવસ ઈબ્રાહિમ મામુ કીમામલીમાં સરપંચ રહેલા પ્રભાતસિંહ ચૌહાણને ત્યાં આવે છે. તેઓને પાણી આપતાં ક્ષારવાળું પાણી પીને ઇબ્રાહિમ મામુ બોલ્યા કે ‘તમે આવું મોળું અને ક્ષારવાળું પાણી કઈ રીતે પીવો છો?’ પ્રભાતસિંહ કહ્યું કે, ‘બે કૂવા ખોદ્યા પણ એમાં મોળું અને ક્ષારયુક્ત પાણી નીકળ્યું. હવે પીવાલાયક પાણી માટે બીજો કોઈ માર્ગ નથી. આથી અમારે આ જ પાણી પીવું પડે છે.’ વાત સાંભળી તુરંત ઇબ્રાહિમભાઈ મામુએ પોતાની કઠોદરાની જમીનમાંથી 1 ગુંઠા જમીન લેખિતમાં કીમામલી પંચાયતને અર્પણ કરી દીધી. એક ગુંઠા જમીનમાં બોરિંગ થયું. મીઠું પાણી નીકળ્યું. નવી પાઇપલાઇન નંખાઈ અને ગ્રામજનોને મીઠુ પાણી મળતું થયું. ગ્રામજનોએ મુસ્લિમ મિત્રની આવી કોમી એકતાની મિસાલને સલામ કરી આભાર માન્યો. છેલ્લાં 33 વર્ષથી ગ્રામજનો મીઠુ પાણી તેમના મુસ્લિમ મિત્ર ઇબ્રાહિમભાઈ મામુના ખેતરમાંથી પી રહ્યા છે. હિન્દુ મુસ્લિમના નામે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકો માટે ઇબ્રાહિમભાઈ મામુ અને કીમામલી ગ્રામજનો કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
વિશાળ સિઝન ક્રિકેટ ગ્રાઉન્ડ,
બોક્સ ક્રિકેટ અને સ્વિમિંગ પુલ ગામની ઓળખ

મામલી ગામે પ્રવેશતા જ 7 વીઘાંમાં આવેલું વિશાળ સિઝન ક્રિકેટ ગ્રાઉન્ડ અને એની સામે જ આવેલું એન્જલ બોક્સ ક્રિકેટ, સ્વિમિંગ પુલ નાનકડા ગામની મોટી ઓળખ બની છે. વિરાજસિંહ ઠાકોરે પોતાની 7 વીઘાં જમીનમાં સુરત જિલ્લાનું બેસ્ટ કહી શકાય એવું સિઝન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે. દર વર્ષે 12થી વધુ સિઝન ટુર્નામેન્ટ રમાય છે, જેમાં 200 જેટલી ટીમ દર વર્ષે કીમામલી ગામે ક્રિકેટ રમવા આવે છે. આસપાસનાં ગામો સહિત સુરત, વડોદરા, ભરૂચ ઉપરાંત મુંબઈ સુધીના ક્રિકેટ ખેલાડીઓ રમવા આવે છે. રણજી પ્લેયરો પણ ગ્રાઉન્ડ પર રમી ચૂક્યા છે. તો ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જ ગામના મેહુલસિંહ ઠાકોરે બોક્સ ક્રિકેટ અને સ્વિમિંગ પુલનું પણ સુંદર આયોજન કર્યું છે. રોજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ સિઝન ક્રિકેટ ગ્રાઉન્ડ અને બોક્સ ક્રિકેટ એમ બંનેનો આનંદ લે છે. રમતગમત ક્ષેત્રે કીમામલી ગામ જિલ્લામાં જાણીતું બન્યું છે.
છેલ્લાં 27 વર્ષથી ‘રંગજયંતી’ની ભવ્ય ઉજવણી કરી ડેકોરેશન તૈયાર કરતા કનકસિંહ ઠાકોર
ગ્રામજનો મહાન સંત એવા નારેશ્વરના નાથ પ.પૂ.રંગ અવધૂત મહારાજમાં વિશેષ આસ્થા ધરાવે છે. ગામના રંગ પરિવારના ભક્તો દર વર્ષે રંગ જયંતીની ભક્તિભાવ પૂર્વક રંગેચંગે ઉજવણી કરે છે. ગામના કનકસિંહ ઠાકોરને ત્યાં ગ્રામજનોના સહકારથી છેલ્લાં 27 વર્ષથી રંગ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આસપાસના ગામના રંગભક્તો મોટી સંખ્યામાં ઉજવણીમાં સહભાગી થાય છે. કનકસિંહ ઠાકોર દ્વારા જાતે જ દિવસોની મહેનત કરી પ્રસંગોચિત સુંદર ડેકોરેશન તૈયાર કરી અદભૂત કારીગરીનાં દર્શન કરાવવામાં આવે છે.
છેલ્લાં 27 વર્ષથી ‘રંગજયંતી’ની ભવ્ય ઉજવણી કરી ડેકોરેશન તૈયાર કરતા કનકસિંહ ઠાકોર

ગ્રામજનો મહાન સંત એવા નારેશ્વરના નાથ પ.પૂ.રંગ અવધૂત મહારાજમાં વિશેષ આસ્થા ધરાવે છે. ગામના રંગ પરિવારના ભક્તો દર વર્ષે રંગ જયંતીની ભક્તિભાવ પૂર્વક રંગેચંગે ઉજવણી કરે છે. ગામના કનકસિંહ ઠાકોરને ત્યાં ગ્રામજનોના સહકારથી છેલ્લાં 27 વર્ષથી રંગ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આસપાસના ગામના રંગભક્તો મોટી સંખ્યામાં ઉજવણીમાં સહભાગી થાય છે. કનકસિંહ ઠાકોર દ્વારા જાતે જ દિવસોની મહેનત કરી પ્રસંગોચિત સુંદર ડેકોરેશન તૈયાર કરી અદભૂત કારીગરીનાં દર્શન કરાવવામાં આવે છે.
નિષ્ક્રિય ટ્રસ્ટને સજીવન કરી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી મળેલી 80 લાખથી વધુની રકમ ગામ વિકાસ માટે વપરાશે

વર્ષ-1965ના ગામ સમસ્ત ટ્રસ્ટ, ઠાકોરજી લાલજી મંદિર, નીલકંઠ મહાદેવ, હવાડા ટ્રસ્ટ નિષ્ક્રિય હતા. કોઈ કાગળો ન હતા. ત્યારે સમસ્ત ગામ ટ્રસ્ટની 218 બ્લોકવાળી જગ્યામાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થતો હોવાથી એ જમીનની 80 લાખથી વધુ રકમ ઉપરોક્ત ટ્રસ્ટ નિષ્ક્રિય હોવાથી મળે એમ ન હતી. ગામના ઉપસરપંચ સુરેન્દ્રસિંહ ચૌહાણ, અજીતસિંહ ઠાકોર, બળવંતસિંહ સોલંકી, કિશોરસિંહ ઠાકોર, બળવંતસિંહ ઠાકોર ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટી નિમાયા. ચેરિટી કમિશનર કચેરી સહિત અન્ય સ્થળે વારંવાર ધક્કા ખાઈને ટ્રસ્ટ સજીવન કર્યા. પાંચ ટ્રસ્ટી નિમાયા અને 80 લાખથી વધુની રકમ ગામના ટ્રસ્ટમાં જમા થઈ. સુરેન્દ્રસિંહે જણાવ્યું કે, આ રકમ ગામમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સાથે ગામ વિકાસમાં એનો સદઉપયોગ કરાશે.
1960માં સંત પૂ.પુનિત મહારાજનાં પાવન પગલાંથી ગામની ભૂમિ પવિત્ર બની
‘સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ’, ‘સેવા તો જનસેવા કરવી, લેવું પ્રભુનું નામ’ આવો અદભૂત સંદેશો જગતને આપનાર ગુજરાતના મહાન સંત પૂ.પુનિત મહારાજના પવન પગલાં ગામની ધરતી પર પડી ચૂક્યા છે. ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં’ જેવા પ્રખ્યાત પ્રેરણા ગીતની ભાવુક રચનાના રચિયતા અને ગુજરાતનાં કૃષ્ણ મંદિરોમાં ગવાતી ‘જય કાના કાળા મીઠી મોરલીવાળા’ આરતી અને 60 જેટલા ગ્રંથોની ભેટ આપનારા સમાજસેવક, મહાન સંત પધાર્યા એ ગ્રામજનો માટે કાયમી સંભારણું બન્યું છે. 1960ની સાલમાં સ્વ.પ્રભાતસિંહ કાળાભાઈ ઠાકોરને ત્યાં પુનિત મહારાજની પધરામણી થઈ હતી. ભજન-કિર્તન અને રામનામની ધૂન સાથે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આ અમૂલ્ય અવસરે પૂ.પુનિત મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નાદુરસ્ત તબિયત હોવાથી માત્ર ‘કમ ખાઓ ગમ ખાઓ’ બોલી ભક્તોને દર્શન થકી રાજી કર્યા હતા. સંતની પધરામણીએ ગ્રામજનોમાં આધ્યાત્મિક ક્ષેત્રે ઊંડી છાપ છોડી અને અનેક પેઢીઓ તારી દીધી હોવાનું વડીલો જણાવે છે.
ગામની ખેતી અને પર્યાવરણને મોટું નુકસાન
કીમ જીઆઇડીસી વિસ્તારમાં આવેલાં અનેક ઔદ્યોગિક એકમો અને નદી કિનારે આવેલી મલ્ટિનેશનલ કંપનીએ ગામ અને વિસ્તારમાં પ્રદૂષણ કરી પર્યાવરણની ઘોર ખોદી છે. બેરોકટોક કેમિકલયુક્ત ગંદું પાણી શુદ્ધીકરણ વિના સીધું નદીમાં છોડવામાં આવે છે. જીપીસીબીને રજૂઆત છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવે છે. નદી તરફ જતી કોતરડીમાં બાળકો નાહતા હતાં. બહેનો કપડાં ધોતી, ખેડૂતો ખેતરોમાં પાણી પીવડાવતા, પશુ-પક્ષીઓ પાણી પીતા એ કોતરડીનું શુદ્ધ પાણી આજે કેમિકલયુક્ત દુર્ગંધ મારતા ગંદા પાણીથી ખડબદી રહ્યું છે. ગામના પર્યાવરણને મોટું નુકસાન થયું છે. નદી કિનારે આવેલી મલ્ટિનેશનલ કંપનીએ પણ વિસ્તારમાં હવા-પાણી પ્રદૂષિત કરવામાં કોઈ કમી બાકી નથી રાખી ત્યારે આવા પ્રદૂષિત પાણી ખેતરોના પાકને પીવડાવવા ખેડૂતો મજબૂર બન્યા છે. ગામની હવા, પાણી અને જમીનને થયેલું મોટું નુકસાન આવનારી પેઢીઓ માટે નર્કસમાન સાબિત થશે તેવું ખેડૂત દિનેશસિંહ ઠાકોર જણાવે છે.