કાલોલ:
કાલોલ–હાલોલ હાઈવે પર મઘાસર ચોકડી નજીક રવિવારે એક હૃદયવિદારી અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ પર ઘરે જઈ રહેલા 17 વર્ષીય યુવક પર પુરઝડપે આવેલા કન્ટેનરે ચડી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કન્ટેનર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, નાવરિયા રોડ તરફથી પોતાના ઘરે જઈ રહેલો સુજાલભાઈ ગણપતભાઈ સિક્લીગર (ઉંમર 17) મઘાસર ચોકડી પસાર કરી રહ્યો હતો. તે સમયે કન્ટેનર નં. NL-01-AB-4662ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી સુજાલભાઈને અડફેટે લીધો અને તેના ઉપરથી કન્ટેનર ફરી વળ્યું. ગંભીર ઇજાઓના કારણે યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.
અકસ્માતની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા. કાલોલ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ મામલે મૃતકના મામા સુભાષભાઈ સિક્લીગરની ફરિયાદના આધારે પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા ફરાર કન્ટેનર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા