કવાંટ સમગ્ર નગરમાં પીવાનું પાણી પૂરું પાડતું વોટર વર્કસ જેને ૭૦ વર્ષ જેટલો સમય થઈ ગયો છે તે હાલમાં સંપૂર્ણ જર્જરિત હાલતમાં છે. પંચાયતના સત્તાધીશો દ્વારા કવાંટ તાલુકા પંચાયત પ્રમુખને રજૂઆત કરતા પ્રમુખે જર્જરીત વોટર વર્કસની મુલાકાત લીધી હતી.
ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી કવાંટ ગ્રામ પંચાયતમાં સૌપ્રથમવાર પીવાના પાણી માટે વોટર વર્કસ નું નિર્માણ નવેમ્બર ૧૯૫૬માં કરવામાં આવ્યું હતું. આ વોટરવર્કસમાં કુવો પણ છે અને બોર પણ કરવામાં આવ્યા છે . આ વોટર વર્કસને હાલમાં ૭૦ વર્ષ જેટલો સમય થઈ ગયો તેથી આ વોટરવર્કસ સંપૂર્ણ જર્જરીત હાલતમાં છે . ગમે ત્યારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે વોટર વર્કસ તેમજ લાઈનમેન કે ગ્રામ પંચાયતના કર્મચારીઓ આ દુર્ઘટનામાં ભોગ બને તેમ પરિસ્થિતિ છે. ૭૦ વર્ષ જૂની આ વોટર વર્કસ બિલ્ડીંગ અંગે કવાંટ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લેખિત અને મૌખિકમાં તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર બેદરકારી દાખવતા હોઈ કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
આજરોજ કવાંટ તાલુકા પંચાયત નવા પ્રમુખ તરીકે પદભાર સંભાળતા રાઠવા મિલનભાઈને કવાંટ ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન રાઠવા, ઉપ સરપંચ સંદીપભાઈ પંચાલ તેમજ સભ્ય મહેશભાઈ રાઠવા અભયભાઈ પંડ્યા દ્વારા રજૂઆત કરવામાં આવતા તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવાએ જર્જરીત વોટર વર્કસ ની મુલાકાત લીધી હતી અને આ સંદર્ભે લેખિતમાં જિલ્લા કક્ષાએ રજૂઆત કરી તંત્રને ધ્યાન દોરવા માટે પણ જણાવ્યું હતું આ વોટર વર્કસ નું નવ નિર્માણ કરવામાં ૨૦ થી ૨૫ લાખનો ખર્ચ અંદાજિત થતો હોય જિલ્લા કક્ષાએથી તેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે