રોડ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સ્માર્ટ સિટીના વાયદાઓના વચનબાજી સામે રહીશોનો ગુસ્સો; ચૂંટણી બહિષ્કાર અને આંદોલનની ચીમકી

વડોદરા: શહેરના કલાલી વિસ્તારના સ્વામી કુટીર સોસાયટીના રહીશોએ નબળી સડક વ્યવસ્થા સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. સામાન્ય વરસાદમાં જ સોસાયટીનો મુખ્ય રસ્તો ધોવાઈ જાય છે, જેથી લોકો ખૂબજ હેરાન થઈ રહ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે, સ્માર્ટ સિટીની વાતો કરતું તંત્ર પ્રાથમિક જરૂરિયાત જેવી કે પાણી,રોડ-રસ્તાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે.

સ્થાનિકોનું કહેવું છે કે રોડ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો સતત અભાવ રહેતાં, સ્થાનિક વ્યક્તિઓને હોસ્પિટલ અને બાળકોને શાળાએ લઈ જવામાં મુશ્કેલી પડે છે. વારંવાર રજુઆત છતાંય વિકાસના નામે માત્ર વચન મળ્યાં છે, જ્યારે કાયમી ઉકેલ હજુ સુધી નથી મળ્યો.

રહીશોએ ચીમકી ઉચ્ચારી કે, જો વહેલી તકે પાકા રસ્તાની સુવિધા નહીં મળે તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે અને પાલિકા ખાતે આંદોલન કરશે. ભાજપના કાઉન્સિલર, અને કાર્યકર્તાએ પણ હવે સોસાયટીમાં પ્રવેશ ન અપાવાની ચીમકી રહેવાસીઓએ આપી છે. તંત્ર ક્યારે જાગશે અને વિકાસની વાસ્તવિકતા ક્યારે દેખાશે, તે પ્રશ્ન આજેય સ્પષ્ટ નથી.