રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પહેલગામ આતંકવાદી હુમલાના બે મહિના પછી મોટી સફળતા હાંસલ કરી છે. NIA દ્વારા આજરોજ તા.22જૂન 2025 રવિવારે પહેલગામમાંથી બે સ્થાનિક રહેવાસીઓ, પરવેઝ અહેમદ જોથર અને બશીર અહેમદ જોથરની ધરપકડ કરી છે, જેમણે હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો.
NIAની પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ જણાવ્યું કે તેઓએ પહેલગામના હુમલા પહેલાં ત્રણ આતંકવાદીઓને હિલ પાર્ક વિસ્તારમાં એક કામચલાઉ ઝૂંપડીમાં રાખ્યા હતા. આ ઉપરાંત, તેમણે આતંકવાદીઓને ખોરાક અને અન્ય જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડી હતી. આ આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા હતા.
આ બે આરોપીમાં આરોપી પરવેઝ અહેમદ જોથરએ પહેલગામના બાટકોટ વિસ્તારનો રહેવાસી છે. તેમજ બશીર અહેમદ જોથર પહેલગામના હિલ પાર્ક વિસ્તારનો રહેવાસી છે.
મુખ્ય ત્રણ આતંકવાદીઓ હજુ ફરાર: પહેલગામ હુમલા બાદ, NIA અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા આતંકવાદીઓને પકડવા માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જોકે, ત્રણેય મુખ્ય આતંકવાદીઓ હજુ પણ ફરાર છે. તપાસ એજન્સીઓએ શંકાસ્પદોના સ્કેચ જાહેર કર્યા હતા અને તેમના માટે ઈનામની રકમની પણ ઘોષણા કરી હતી, પરંતુ તેઓ હજુ પકડાયા નથી.
NIAના જણાવ્યા અનુસાર, આ ધરપકડ આતંકવાદી નેટવર્કને નબળું પાડવાની દિશામાં મહત્વનું પગલું છે. એજન્સી આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે ફરાર આતંકવાદીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
તપાસ એજન્સીઓ હવે પરવેઝ અને બશીરની પૂછપરછના આધારે આતંકવાદીઓના સંભવિત ઠેકાણાઓ અને સંપર્કોની શોધખોળ કરી રહી છે. આ ઘટના દર્શાવે છે કે આતંકવાદી સંગઠનો સ્થાનિક સમર્થનનો ઉપયોગ કરીને હુમલાઓનું આયોજન કરે છે, જેનો સામનો કરવા માટે NIA સતત પ્રયાસો કરી રહી છે.
