Karjan

કરજણ નજીક ને.હા. ૪૮ પર ગમખ્વાર અકસ્માત: કાર ટ્રક પાછળ અથડાતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત, ત્રણ ગંભીર

પ્રતિનિધિ, કરજણ
કરજણ તાલુકાના હલદરવા ગામ નજીક નેશનલ હાઈવે નં. ૪૮ પર આજે તા. ૧૦-૦૪-૨૦૨૬ના રોજ વહેલી સવારે અંદાજે ૬:૦૦ વાગ્યાના અરસામાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આર્ટિગા કાર આગળ ચાલી રહેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માતની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ આર્ટિગા કારમાં ચાર વ્યક્તિઓ સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ટીમે જોયું કે કારમાં સવાર એક મહિલા સહિત બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કંડક્ટર સાઈડમાં બેઠેલા એક વ્યક્તિ કારના પતરામાં ફસાઈ જતા તેમને બહાર કાઢવા માટે હાઈડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાળજીપૂર્વક પતરા કાપીને તેમને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં કારના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના ફરી એકવાર માર્ગ સલામતી અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. વહેલી સવારે વાહન ચલાવતી વખતે પૂરતી ઊંઘ લેવી, સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કરવું અને ઓવરસ્પીડિંગથી દૂર રહેવું જરૂરી હોવાનું તંત્રે જણાવ્યું છે.

રિપોર્ટર: મુકેશ અઠોરે

Most Popular

To Top