વડોદરા પોલીસ ગણેશ વિસર્જનમાં વ્યસ્ત રહી અને SMCએ બૂટલેગરે મંગાવેલો દારૂ ઝડપ્યો
કપુરાઇ ચોકડી પાસેથી બિનવારસી હાલતમાં પડેલી દારૂ ભરેલી ટ્રક પકડાઇ
પ્રતિનિધિ વડોદરા તા.3
વડોદરા શહેર તથા જિલ્લા પોલીસ સાત દિવસના ગણેશજીના વિસર્જનમાં વ્યસ્ત હતી, ત્યારે તેનો લાભ ઉઠાવીને બૂટલેગર વિદેશી દારૂનો જથ્થો મંગાવીને કપુરાઇ ચોકડી નજીક મુક્યો હતો. જેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા ટીમે રેડ કરીને બિનવારસી પડેલી ટ્રકમાંથી રૂ. 44.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ મંગવારનાર બૂટલેગર, ચાલક તથા સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યાં છે.
વડોદરા શહેર અને જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદે ચાલતા જુગાર તથા દારૂની અડ્ડા તથા હેરાફેરી પર સપાટો બોલાવવામાં આવતો હોય છે.2 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લાની પોલીસ ગણપતિના સાતમાં દિવસના વિસર્જનમા વ્યસ્ત હતી, ત્યારે બૂટલેગરે તેનો લાભ ઉઠાવી વિદેશી દારૂ મંગાવ્યો હતો. આ ટ્રક વિસ્ટેરીયા હાઇટસ પાસે બિનવારસી હાલતમાં મુકી છે તેવી મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને તપાસ કરી હતી ત્યારે ટ્રકમાંથી રૂ. 44.93 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે સ્થળ પરથી કોઇ નહી આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ મંગાવનાર વડોદરાના બૂટલેગર સહિતના સપ્લાયર અને ટ્રકના ચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે. વિદેશી દારૂ અને ટ્રક રૂ.7 લાખ મળી રૂ. 51.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કપુરાઇ પોલીસને સોંપવામાં આવતા પોલીસે દારૂ મંગાવનાર સહિતના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ભલે શહેર અને જિલ્લા પોલીસ સાતમા દિવસના વિસર્જનમાં વ્યસ્ત હોય પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂની હેરાફેરી પર સતત નજર રાખી રહી છે.