ફતીયાવાદ ગામની સીમમાં અચાનક કુતરૂં આડું આવતા અકસ્માત સર્જાયો
(પ્રતિનિધિ) કપડવંજ તા.8
કપડંવજ તાલુકાના ફતીયાવાદ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે પુરપાટ ઝડપે જતી બાઇક આડે કુતરું આવતા ચાલકે બ્રેક મારી હતી. જેના કારણે બાઇક સ્લીપ થતાં ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે આંતરસુબા પોલીસે તપાસ હાથ ધરી છે.
કપડવંજના લાલમાંડવા ગામમાં રહેતા આરીફ સુલતાનમીયા હાજી ખેતી કામ કરે છે અને તે તેમના મોટા ભાઇ અયુબ સાથે રહે છે. આરીફ પાસે બાઇક નં.જીજે 7 ઇએસ 2781 હતું. દરમિયાનમાં 5મી એપ્રિલ,2024ના રોજ સવારના સાતેક વાગ્યાના સુમારે આરીફ ઘરે હતો તે સમયે તેમના પિતાને ફતીયાવાદ ગામની સીમમાં નર્મદા કેનાલ નજીક અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી, આરીફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેણે જોયું તો તેના પિતા સુલતાનમીયાંને 108માં કપડવંજ દવાખાનામાં લઇ ગયાં હતાં. આથી, તે તેના ભાઈ અયુબ, માતા સાથે કપડવંજની હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. જોકે, તેમની તબિયત વધુ લથડતાં કઠલાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર દરમિયાન 7મી એપ્રિલના રોજ તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે આરીફે તપાસ કરતાં તેના પિતા સુલતાનમીયા હુસેનમીયા હાજી બાઇક લઇને પુરપાટ ઝડપે જતાં હતાં, તે સમયે અચાનક રોડ પર કુતરૂં આડુ આવી જતાં બ્રેક મારી હતી. જેના કારણે બાઇક સ્લીપ થઇ જતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે આતરસુંબા પોલીસે સુલતાનમીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.