Charotar

કપડવંજના ફતિયાવાદમાં બે વરરાજા હેલિકોપ્ટરમાં બેસી પરણવા આવ્યા


*કપડવંજના ઈતિહાસમાં બીજી ઘટના*

પહેલા માફાળા ગાડામાં જાન આવતી.એ પછી જેમ જેમ સમય બદલાતો ગયો અને જેવી સગવડ વધી તેમ આવાગમનની સુવિધામાં અનેક ફેરફારો આવ્યા છે. વ્યક્તિના જીવનમાં શોખનું પણ અનેરૂં મહત્વ છે. હાલ લગ્નસરાની સિઝન પુર બહારમાં ખીલી છે ત્યારે કપડવંજ તાલુકાના ઈતિહાસમાં બીજી વાર એક નહીં પણ બે વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યા હતા. અગાઉ કપડવંજ તાલુકાના અઘાટના મુવાડા ગામમાં ગત તા.૧૨-૫-૨૦૨૩ના રોજ હેલિકોપ્ટરમાં બેસી વરરાજા લગ્ન કરવા આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામની વસ્તી આશરે ૫૦૦૦ની છે.જ્યાં મહત્તમ ક્ષત્રિય સમાજના લોકોનો વસવાટ છે.અંદાજે ૧૨૦૦ જેટલા ઘરોના વસવાટમાં આજનો દિવસ બે કન્યાઓ તથા તેના પરિવારજનો સહિત ગ્રામજનો માટે યાદગાર બની ગયો હતો.આ ગામના રહેવાસી અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પૂર્વ કર્મચારી રાવજીભાઈ પ્રતાપસિંહ સોઢા પરમારના સુપુત્ર રાજેન્દ્રસિંહ રાવજીભાઈ સોઢા પરમારની દીકરીઓ જયશ્રીકુંવરબાના લગ્ન તથા જલકકુંવરબાના લગ્ન હલધરવાસ નિવાસી અજીતસિંહ સુખાજી ઝાલાના સુપુત્ર કિરણસિંહ ઝાલા સાથે જયશ્રીકુંવરબાના લગ્ન તથા ઉદેસિંહ સુખાજી ઝાલાના સુપુત્ર મેહુલસિંહ ઝાલા સાથે જલકકુંવરબાના લગ્ન યોજાયા હતા.વરરાજાના બે બહેનો અને તેમના મામા કાણીયેલના અરવિંદસિંહ પણ હેલિકોપ્ટરમાં સાથે જોડાયા હતા.અરવિંદસિંહે જણાવ્યું હતું કે અજીતસિંહ ઝાલા તથા તેમના પરિવારજનોની વર્ષોથી ઈચ્છા હતી કે રજવાડી ઠાઠથી દીકરાને પરણાવવો છે.જેથી તેઓએ બન્ને વરઘોડીયાને કન્યાના લગ્ન મંડપ સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરમાં આવ્યા હતા અને તેમને પોતાની મનોકામના પૂર્ણ કરી હતી.બન્ને યુગલોનો લગ્ન સમારંભ સંપન્ન થયા બાદ બન્ને યુગલો આકાશમાર્ગે હેલિકોપ્ટર મારફતે માદરે વતન હલધરવાસ ગયા હતા.કન્યાના પરિવારજનો તથા વરરાજાના પરિવારજનોમાં લગ્ન અંગે ભારે ઉત્સુકતા જોવા મળી હતી.બન્ને પરિવાર હરખથી છલકાઈ ગયો હતો..ફતિયાવાદના
આજુ બાજુના વિસ્તાર માટે આ પહેલો અવસર હતો કે કોઈ વરરાજા આકાશમાર્ગે આ રીતે પરણવા આવ્યા હોય.જેથી લોકોના ટોળે ટોળા કુતુહલવશ થઈને નજારો જોવા ઉમટી પડ્યા હતા.

Most Popular

To Top