નડિયાદ – કપડવંજ રોડ પર અજાણ્યા વાહને 2 બાઇકને ટક્કર મારી હતી
કઠલાલમાંથી પસાર થતાં નડિયાદ – કપડવંજ રોડ પર પુરપાટ ઝડપે જતા વાહને જુની સંગીતા હોટલ પાસે બે બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે એક બાઇક પર સવાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જોકે, આ અકસ્માત બાદ વાહન ચાલક ભાગી ગયો હતો. જ્યારે ઘવાયેલા ત્રણ વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં મિનીટ્રક ચાલકે આ અકસ્માત સર્જી દીધો હોવાનું ખુલ્યું હતું. આ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધ્યો હતો.
કઠલાલના પોરડા ગામમાં રહેતા અનીલ રઘુભાઈ વટવા જીઆઈડીસીમાં કામ કરે છે. તેઓ તહેવાર દરમિયાન વતન પોરડા મુકામે આવે છે. દરમિયાનમાં 5મી માર્ચના રોજ સાંજના અનીલ ઘરે હતો તે સમયે તેના કાકાનો દિકરો કરશન અભાભાઈ બાઇક નં.જીજે 7 ઇએન 7483 લઇને આવ્યો હતો અને કઠલાલ બજારમાં શાકભાજી લેવા જવાનું છે તેમ કહ્યું હતું. આથી, કરશન અને અનીલ બાઇક પર કઠલાલ તરફ જવા નિકળ્યાં હતાં. તેઓ જુની સંગીતા હોટલ પસાર કરી થોડે દુર નિકળ્યાં તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દીધી હતી. જેના કારણે બાઇક સ્લીપ થતાં બન્ને ભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત અનીલે જોયું તો મિનીટ્રકે અન્ય એક બાઇક નં.જીજે 7 ઇઇ 3206ને પણ ટક્કર મારી હતી. બાદમાં પુરપાટ ઝડપે ભાગી ગયો હતો. આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108માં ફોન કરતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં કઠલાલ તરફથી બાઇકના સવાર ચતુરભાઈ મલુભાઈ વસાવા (રહે. સુણદા, તા. કપડવંજ)ને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે કરશનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડ્યો હતો. આ અંગે કઠલાલ પોલીસે અજાણ્યા મિનિટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
કઠલાલમાં હિટ એન્ડ રનમાં બાઇક સવારનું મોત
By
Posted on