મતોના મહાકુંભ તરીકે ઓળખાતી ઓલિમ્પિક ગેમ્સ માટે ટોક્યોમાં તૈયારી આરંભાઇ ચુકી છે. હાલમાં ગેમ્સ વિલેજમાં કોરોનાના કેસ મળવાના કારણે ઓલિમ્પિક્સ યોજવા સંબંધે શંકા કુશંકાનું વાતાવરણ છે, જો કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીના અધ્યક્ષ થોમસ બાક એ વાતે મક્કમ છે કે ભલે કોરોનાના કેસ સામે આવે પણ ઓલિમ્પિક્સનું આયોજન થઇને જ રહેશે. રમતોના મહાકુંભમાં મેડલ જીતવાનો આનંદ અને ઉત્સાહ અનેરો હોય છે. વર્લ્ડ ચેમ્પિયન બનવા કરતાં વધુ આનંદ ખેલાડીઓ કે એથ્લેટને ઓલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીતવાથી આવે છે. ખેલાડીઓ સ્પર્ધા જીત્યા પછી તેમને અપાતા મેડલ તેમના માટે ઘણાં મહત્વના સંભારણા સમાન રહે છે. જો કે ઓલિમ્પિક્સમાં મેડલનો ઇતિહાસ સાવ અલગ જ રહ્યો છે અને તેમાં ખેલાડીઓને મેડલ તરીકે ઓલિવના ફુલોના હાર પણ આપવામાં આવ્યા છે અને હાલમાં અપાનારા મેડલની પોતાની એક ખાસિયત છે અને તે ખાસ્સી ચર્ચામાં છે. હાલમા વિજેતા ખેલાડીને જૂના મોબાઇલ ફોન તેમજ ઇલેક્ટ્રીક સાધનોની રિસાયકલ કરાયેલી ધાતુમાંથી બનેલા મેડલો આપવામાં આવશે. આમ ઓલિવના ફુલના હારથી લઇને રિસાયકલ કરાયેલી ધાતુથી બનેલા મેડલ સુધીમાં ઓલિમ્પિક્સ મેડલે ઘણી લાંબી મજલ કાપી છે.
ઇલેક્ટ્રીક સાધનો તેમજ જૂના મોબાઇલની રિસાયકલ કરાયેલી ધાતુમાંથી બનેલા ટોક્યો ઓલિમ્પિક્સના મેડલ માર્બલમાંથી બન્યા હોય તેવા દેખાતા આ મેડલનો વ્યાસ 815 સેમી હશે અને તેના પર ગ્રીસની વિજયની દેવી નાઇકની આકૃત્તિ બનેલી હશે. જો કે ગત વર્ષોથી અલગ તેને સોના, ચાંદી અને તાંબુ તેમજ ઝિંક વડે તૈયાર કરાશે તો ખરાં પણ તેમાં જાપાનની પ્રજા દ્વારા દાન કરાયેલા 79 ટનથી વધુ વજનના ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન તેમજ અન્ય નાના ઇલેક્ટ્રીક સાધનોમાંથી કાઢવામાં આવેલી ધાતુનો ઉપયોગ કરાયેલો હશે.
- 2016ની રિયો ગેમ્સમાં બનેલા મેડલથી પર્યાવરણ જાગૃતિની હવા ચાલી
મેડલોના રૂપમાં થતાં ફેરફારોમાં પછીથી પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો સંદેશ જોડાયો હતો અને 2016ના રિયો ઓલિમ્પિક્સમાં તો પર્યાવરણ પ્રત્યેની વિશ્વભરમાં ફેલાયેલી ચેતનાને ધ્યાને લેવામાં આવી હતી અને રિયો ગેમ્સના આયોજકોએ રિસાયકલ કરેલી ધાતુનો ઉપયોગ મેડલ બનાવવામાં કરવાનો નિર્ણય લીધો હતો. રિયો ઓલિમ્પિક ગેમ્સમાં માત્ર મેડલમાં જ 30 ટકા રિસાયકલ ધાતુનો ઉપયોગ નથી થયો પણ મેડલની સાથે જોડાયેલી રિબીનમાં પણ મોટાપાયે ફેરફાર કરીને તેને બનાવવા માટે 50 ટકા હિસ્સો રિસાયકલ કરેલી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વળી તે સમયે બનેલા ગોલ્ડ મેડલમાં સોનાને પણ પારાવિહિન રાખવામાં આવ્યું હતું. હવે રિયોના પગલે ચાલીને ટોક્યોમાં પણ રિસાયકલ કરેલા ઇલેક્ટ્રોનિક આઇટમમાંથી મેડલ બનાવાયા છે.
- સેન્ટ લુઇ ઓલિમ્પિક્સમાં પહેલીવાર ત્રણ પ્રકારના મેડલ આપવાનું શરૂ કરાયું
ઓલિવના ફુલોના હારથી લઇને ઓલિમ્પિક્સના મેડલોમાં ફેરફાર થતો રહ્યો અને તે પછી સેન્ટ લુઇમાં રમાયેલા 1904ની ઓલિમ્પિક ગેમ્સમાં પહેલીવાર ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવાનું શરૂ કરવામાં આવ્યું. આ મેડલ ગ્રીસની પ્રાચિન કથાઓના પ્રારંભિક ત્રણ યુગનું પ્રતિનિધિત્વ કરતાં હતા,. જેમાં સુવર્ણ યુગ કે જ્યારે મનુષ્ય દેવો સાથે રહેતો હતો. રજત યુગ કે જ્યારે યુવાની 100 વર્ષ સુધી જળવાયેલી રહેતી હતી. અને બ્રોન્ઝ યુગ કે જે નાયકોનો યુગ કહેવાતો હતો. તે પછીની એક સદી દરમિયાન મેડલોના આકાર, આકૃતિ, વજન, સંયોજન અને તેના પર આલેખાતા ચહેરાઓમાં ફેરફાર થતો રહ્યો હતો.