Vadodara

એસએસજી હોસ્પિટલના સિનિયર ડોક્ટરના નામે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ, સાયબર ઠગાઈની આશંકા


ડોક્ટરે જાહેર અપીલ કરી: રૂપિયા માગે તો સાવધાન રહો, કોઈ ચુકવણી ન કરશો
વડોદરા :
વડોદરા શહેરમાં સાયબર ઠગાઈના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. એસએસજી હોસ્પિટલના સિનિયર ડોક્ટર ડો. રંજન ઐયરના નામ અને ફોટોનો ઉપયોગ કરી સાયબર ઠગોએ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાની માહિતી સામે આવી છે.
ડોક્ટરને તેમના મિત્ર વર્તુળ તરફથી આ બાબતની જાણ થતાં તેમણે તરત જ સોશિયલ મીડિયા મારફતે જાહેર સંદેશ આપ્યો હતો. ડોક્ટરે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, તેમના નામે બનાવવામાં આવેલ આ એકાઉન્ટ સંપૂર્ણપણે નકલી છે અને જો આ એકાઉન્ટ પરથી કોઈ વ્યક્તિ રૂપિયા અથવા અન્ય કોઈ સહાયની માંગણી કરે તો તેને કોઈપણ પ્રકારની રકમ ન આપવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અગાઉ પણ રાજકીય નેતાઓ, પોલીસ અધિકારીઓ અને જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોના નામે સાયબર માફિયાઓ દ્વારા ફેક એકાઉન્ટ બનાવવાના કિસ્સા સામે આવ્યા છે. આવા ફેક એકાઉન્ટ દ્વારા લોકોનો વિશ્વાસ જીતી નાણાંની માંગણી કરવામાં આવતી હોય છે.
ડો. રંજન ઐયરે જણાવ્યું છે કે તેઓ આ મામલે સાયબર ઠગો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે. સાથે જ તેમણે નાગરિકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર આવતા અજાણ્યા મેસેજ, ખાસ કરીને પૈસાની માંગણી કરતી કોઈ પણ વિનંતીથી સાવચેત રહેવું.
પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, આવા કોઈ શંકાસ્પદ એકાઉન્ટ જોવા મળે તો તાત્કાલિક સંબંધિત પ્લેટફોર્મ પર રિપોર્ટ કરી અને નજીકના પોલીસ મથક અથવા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવો.

Most Popular

To Top