:કોર્ડિનેટરે વાલીને પોલીસ ફરિયાદની સલાહ આપતા રોષ :
ફેકલ્ટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચાર મહિનાથી બંધ હાલતમાં :
( પ્રતિનિધી )વડોદરા,તા.15
એમ.એસ.યુની કોમર્સ મેન બિલ્ડીંગ ખાતે પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીની બેગમાંથી મોબાઇલની ચોરી થવાની ઘટનાની સામે આવતા યુનિવર્સીટીમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા થયા છે. જ્યારે રજુઆત બાદ કોઓર્ડિનેટરે ઉડાઉ જવાબ આપ્યો હોવાના આક્ષેપ પણ વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવ્યા હતા.

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ટીવાયની પરિક્ષા આપવા આવેલી વિદ્યાર્થિનીની બેગમાંથી મોબાઈલ ચોરી થતા વિવાદ સર્જાયો હતો. પરીક્ષાના નિયમો મુજબ બેગો બહાર મુકવાની ફરજિયાત હોવા છતાં સ્થળ પર ન તો ગાર્ડ હાજર હતા, ન તો યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી.

વિદ્યાર્થિની અને તેના વાલીએ કોઓર્ડીનેટરને મળતા જાણ થઈ હતી કે, બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરા છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં પડ્યા છે. સુરક્ષા માટે વિદ્યાર્થીઓ પાસેથી વસુલાતી ફી માંથી દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ સિસ્ટમ નિષ્ફળ સાબિત થતી દેખાય છે.

ઘટના બાદ કોર્ડીનેટર દ્વારા પોલીસ ફરિયાદ કરો કહી વાલીઓને પાછા મોકલવામાં આવ્યા હતા. જે પછી સવાલ ઉભો થાય છે કે, યુનિવર્સિટીની આંતરિક સુરક્ષાની જવાબદારી કોની છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની માલ મત્તાની ચોરી થવાની શક્યતાઓએ પણ શિક્ષણ સંસ્થાની વ્યવસ્થાને લઈને ચિંતાઓ વધારી છે. હવે જોવાનું રહ્યું કે, યુનિવર્સિટી પ્રશાસન સીસીટીવી રીપેર, સુરક્ષા સ્ટાફની તૈનાતી અને દેખરેખને મજબૂત બનાવવા માટે કયા પગલાં ભરશે જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય. જોકે, આ ઘટના બાદ મેનેજમેન્ટ ખાડે જતા વિદ્યાર્થિની,તેના વાલી અને વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ યુનિવર્સિટી પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.