એક સદ્ગૃહસ્થ ભગવાનના ભક્ત હતા. આખું જીવન ઈમાનદારીથી કમાયા અને હવે રીટાયર લાઇફમાં શાંતિથી ભક્તિ કરવા ઇચ્છતા હતા. તેમણે પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી રૂપિયા પાંચ લાખ પોતાની દીકરી અને જમાઈને બિઝનેસ શરૂ કરવા માટે આપ્યા અને તેમના આશિષથી અને ઈશ્વરકૃપાથી જમાઈની મહેનત રંગ લાવી અને તરત જ વેપાર જામી ગયો.બિઝનેસ સારો ચાલતો હોવા છતાં જમાઈ લીધેલા પૈસા પાછા આપવાનું નામ લેતો ન હતો. એક દિવસ સસરાજીએ જમાઈ પાસે પોતાના પાંચ લાખ રૂપિયા પાછા આપવાની વાત કરી અને સસરા અને જમાઈ વચ્ચે ઝઘડો થઇ ગયો.વાત એટલી વધી ગઈ કે સંબંધો ભૂલાઈ ગયા અને એકબીજાના ઘરે જવાનું અને બોલવાનું બંધ થઇ ગયું. એક માત્ર દ્વેષ, ગુસ્સો અને નફરતથી ભરેલો દુશ્મનીનો સંબંધ રહ્યો.આખો દિવસ તેમના મનમાં જમાઈ પ્રત્યેનો ગુસ્સો અને નફરત રમ્યા કરતાં. હવે તેમનું ભક્તિમાં પણ મન લાગતું ન હતું.પ્રભુનામ લેતાંં લેતાં પણ જમાઈના વિચારો આવતા તેની પર ગુસ્સો આવતો.જેને મળતાં તેની સાથે જમાઈએ આપેલા દગાની વાત કરતા અને જમાઈની નિંદા કરતાં.મનમાં ગુસ્સો અને સતત ઘૃણા રાખવાની અસર પહેલાં તેમની ભક્તિ પર અને પછી શરીર અને મન પર પણ થઇ.તેમની તબિયત સારી રહેતી ન હતી. સતત બેચેન રહેવા લાગ્યા.કોઈ રસ્તો દેખાતો ન હતો.
તેઓ આ માનસિક બેચેની અને શારીરિક તકલીફમાંથી ઉગરવાનો ઉપાય શોધવા એક સંતને જઈને મળ્યા અને બધી વાત કરી. પોતાની બેચેની દૂર કરવાનો ઉપાય સંતને પૂછ્યો.સંતે કહ્યું, ‘હું કહું તેમ કરજે. તારા મનની બધી જ બેચેની દૂર થઇ જશે.’ સદ્ગૃહસ્થે પૂછ્યું, ‘બાપજી, શું કરું?’ સંતે કહ્યું, ‘હમણાં જ મીઠાઈ,ફળ, ભેટ લઈને તારા જમાઈ પાસે જા અને તેની માફી માંગતા કહેજે, દીકરા મને માફ કરી દે. બધી ભૂલ મારી હતી.’ આ વાત સાંભળી સદ્ ગૃહસ્થ ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘મેં મારા પૈસા પાછા માંગ્યા એમાં મારી શું ભૂલ? મારી કોઈ ભૂલ નથી. હું માફી શું કામ માંગું? સંત બોલ્યા, ‘દરેક ઝઘડામાં બંને પક્ષની ભૂલ હોય છે.એક પક્ષની વધારે, તો બીજાની ઓછી. પણ ભૂલ હોય તો છે જ.તેં તારા જમાઈને ખરાબ સમજ્યો.તેની નિંદા અને આલોચના કરી.હંમેશા ગુસ્સા સાથે તેના દોષ બધાને કહ્યા તે તારી ભૂલ છે.તારા મનમાં તેના માટે નફરત ભરી રાખી તે તારી ભૂલ છે.જા જઈને માફી માંગ.’ સદ્ ગૃહસ્થે સંતે કહ્યું તેમ જઈને જમાઈની માફી માંગી કે બધી ભૂલ મારી છે. મેં તમને બધે બદનામ કર્યા. તમને નફરત કરી. મને માફ કરો.’ અને આટલું સાંભળી દીકરી જમાઈ તેમને ભેટીને રડવા લાગ્યાં.પોતાની ભૂલો સ્વીકારી અને પૈસા પણ તરત પાછા આપી દીધા.એક માફી માંગવાથી વર્ષોનો સંબંધ ખીલી ઊઠ્યો અને બધી નફરત પ્રેમ સામે હારી ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.