એક ડિપ્લોમૅટ એટલે કે રાજદૂત-એક સ્પાઈ એટલે કે જાસૂસ અને એક રિપોર્ટર એટલે કે પત્રકાર. એ ત્રણેય વચ્ચે એક સામ્ય છે. ના, સામ્ય કરતાં એમનામાં એકબીજાની ખૂબી-ખામીઓનું અચ્છું મિશ્રણ છે. બે વર્ષ પહેલાં જેમનું અવસાન થયું એવા રાજકીય ષડયંત્ર અને જાસૂસીકથાના બેતાજ બાદશાહ સમા બ્રિટિશ – આઈરીશ લેખક જહૉન લા કારે (ખરો ઉચ્ચાર : જોહન લુહ કારાય!)એ ડિપ્લોમૅટ માટે એક તદ્દન યથાર્થ વ્યાખ્યા આપી હતી. એ કહેતા: ‘અર્ધો જાસૂસ – અર્ધો પત્રકાર બરાબર એક રાજદૂત!’ બીજા શબ્દોમાં આ ત્રણેયની ખૂબી જેની પાસે હોય એ સારો પત્રકાર – એલચી કે પછી અચ્છો જાસૂસ બની શકે.… અંગ્રેજીમાં જેને ‘એસ્પિઅનાઝ’ (espionage) કહે છે એ પ્રકારની બે દેશ વચ્ચે ખેલાતી રાજ્કીય જાસૂસી રમતની કથા આલેખવામાં જહૉન લા કારે લા-જવાબ હતા.
ખાસ કરીને, અમેરિકા- રશિયા વચ્ચે ૧૯૪૭થી ૧૯૯૧ના ‘કોલ્ડ વૉર’ વખતે એ બે દેશ વચ્ચે ચાલતી ખાનગી જાસૂસી રમતને કલ્પનાના રંગ આપીને કેટલીક અફલાતૂન નવલકથા જહોને લખી હતી. એ કથાની રજૂઆત એટલી બધી વાસ્તવિક રહેતી કે વાચકો તો ઠીક, શાસકોને પણ લાગતું કે જહૉન લા કારે ખુદ ખાનગીમાં ગુપ્તચર સેવા સાથે સંકળાયેલા છે. હકીકતમાં એવું ન હતું. હા, રાજકીય જાસૂસી કરતાં બે-ત્રણ ગુપ્તચર તથા બે-ચાર રાજદૂતો સાથે એમના અંગત સંબંધ સારા. એમની પાસેથી મળતી બાતમી-માહિતીમાં પોતાની આગવી કલ્પનાઓ ઉમેરી એવી કથા રજૂ કરતાં કે એ ‘સ્પાઈ માસ્ટર’ તરીકે પંકાઈ ગયા હતા. આજે જમાનો બદલાયો છે. સિનારિયો પલટાયો છે.
લેખક જહૉન લા કારેના સમયમાં લખાતી જાસૂસકથા જેવી હવે કોલ્ડ વૉર કે શીત યુદ્ધની સ્પાઈ ગેમ ખેલાતી નથી. ડિજિટલના આગમન સાથે સાઈબરના પાતાળલોકમાં થતાં યુદ્ધ નિરાળાં છે. બે દેશ (જરૂરી નથી કે બન્ને વચ્ચે દુશ્મનાવટ હોય!) એક બીજાની આર્થિક-લશ્કરી તાકાતનો ક્યાસ કાઢવા એકબીજા પર આવી ગુપ્તચરગીરી કરતા રહે છે. આવી કામગીરી માટે એમને ભૂતપૂર્વ રાજદૂત કે અનુભવી પત્રકારનોય સાથ મળતો રહે છે. અલબત્ત, આવાં કામ માટે જે-તે શાસન તરફથી એમને તગડું ‘મહેનતાણું’ પણ મળે છે. તો બીજી તરફ, કેટલાક એવા પણ પત્રકારો છે જે કોઈ પણ શાસક્ના હાથો બન્યા વગર જાતમહેનતે ઈન્વેસ્ટિગેટ કરીને -ચીવટભરી તપાસ કરીને- સ્ફોટક માહિતી મેળવે છે. પાછળથી એમના છૂટક અહેવાલો પુસ્તકરૂપે પ્રગટ થાય છે ત્યારે વાચકોને ઘણી બધી અજાણી વાતો જાણવા મળે છે અને શાસક વર્ગમાં પણ અંદરખાને સળવળાટ જાગે છે.
હાલના તબક્કે અફઘાનિસ્તાનમાં શાસકો અને આતંકવાદી તાલિબાનો વચ્ચે તીવ્ર વર્ગવિગ્રહ એની પરાકાષ્ઠાએ છે ત્યારે આ આંતરિક સંઘર્ષણમાં તાલિબાની ત્રાસવાદીઓને પડખે પાકિસ્તાન ચઢી ગયું છે. આખું જગત જાણે છે કે પોતાની ધરતી પર આતંકવાદીઓને પાળી-પંપાળીને તાલીમ આપીને ભારત અને અફઘાનિસ્તાન વગેરે દેશોમાં ‘નિકાસ’ કરવા માટે વખોડાયેલું પાકિસ્તાન પુરાણું પાપી છે. આ હકીકત-વાસ્ત્વિકતા ધ્યાનમાં રાખીને છેલ્લાં દોઢેક વર્ષમાં આ ક્ષેત્રના અનુભવી એવાં પત્રકારો-જાસૂસો દ્વારા ત્રણેક પુસ્તક લખાયાં છે જેની આંતરરાષ્ટ્રીય ફલક પર વિશેષ નોંધ લેવાઈ છે.
આમાંનું એક પુસ્તક છે: ‘ટેરર ઈન ઈસ્લામાબાદ’. એક ભારતીય પત્રકાર અમર ભૂષણ લિખિત આ પુસ્તકમાં પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI (IC- ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ) કેવી નિર્મમ -નિર્દયી છે એના કેટલાક કિસ્સા ટાંક્યા છે. ખાસ વિદેશોમાં કામ કરતી આપણી જાસૂસી એજન્સી ‘ RAW’ ( રિસર્ચ એન્ડ ઍનાલિસિસ વિંગ)ના એક ભારતીય એજન્ટ્નું ‘આઈસી’ દ્વારા અપહરણ થયું પછી એનાં પર થયેલાં શારીરિક- માનસિક અત્યાચાર ઉપરાંત ‘IC’નાં બીજાં કાળાં કારનામાંઓની વાત અહીં કાલ્પનિક પાત્રો દ્વારા નવલકથારૂપે રજૂ કરવામાં આવી છે કારણ એ જ કે પત્રકાર – લેખકને આ બધી બાતમી-માહિતી આપનારા એકથી વધુ શખ્સની ખરી ઓળખ છતી ન થાય.
અહીં વિધિની વક્રતા એ છે કે આ પુસ્તકના લેખક અમર ભૂષણ ખુદ એક તબક્કે આપણા ‘RAW’ માં જોબ કરતા હતા. એ વખતે એમના હાથમાંથી જ દુશ્મન તરફી એક શંકાસ્પદ ભારતીય એજન્ટ આબાદ છટકી ગયો હતો! આ ઘટનાને લઈને ‘RAW’ ની જોબ છોડ્યા પછી અમર ભૂષણે ‘એસ્કેપ ટુ નૉવેર ’ નામે નવલકથા પણ લખી હતી. એમની બન્ને કથામાંથી વાચકોને સ્પષ્ટ જાણવા મળે છે કે આપણા ‘RAW’ના એજન્ટસ અને આપણા વિદેશ ખાતાના સરકારી બાબુઓ વચ્ચે જોઈતો મનમેળ નથી. આવા આંતરિક કલહના કારણે પાકિસ્તાનની ‘IC’ સામે આપણા ‘RAW’ની કામગીરી હંમેશાં નબળી પુરવાર થઈ છે.
બીજી તરફ, પાકિસ્તાની સત્તાવાળાની ત્રાસવાદ તરફની સુંવાળી રીતિ-નીતિથી લઈને કારગીલ યુદ્ધ- અલ કાયદા- ઓસામા બીન લાદેનનો પાકિસ્તાનમાં અજ્ઞાતવાસ-એનો અમેરિકા દ્વારા ખાત્મો- પરવેઝ મુશરફનું લશ્કરી શાસન – ઈમરાન સલ્તનતની કાશ્મીરમાં નાપાક ત્રાસવાદી પ્રવૃત્તિઓ ઈત્યાદિ-ઈત્યાદિ ઐતિહાસિક ઘટનાનો તાદૃશ્ય એકસ-રે વાચકો માટે ઝિલાયો છે બહુચર્ચિત પુસ્તક : ‘Pakistan’s Terror Conundrum’ માં…. મજાની વાત એ છે કે પાકિસ્તાન શા માટે આ પ્રકારના આતંકવાદને ભારત સહિત અન્ય દેશોમાં ફેલાવે છે – ટેકો આપે છે એનો કોયડો (કનન્ડ્રમ) આ પુસ્તકમાં સારી-સરળ રીતે ઉકેલવાનો સંનિષ્ઠ પ્રયાસ થયો છે.
આ કામ કર્યું છે વિખ્યાત મૅગેઝિન ‘ન્યૂઝવીક’ના પાકિસ્તાનમાં ફરજ બજાવતા વરિષ્ઠ મુસ્લિમ પત્રકાર ખાલિદ અહેમદે. એમણે અહીં ન તો લાંબા – પહોળા લેખ લખ્યા છે કે નથી કાલ્પનિક પાત્રોની નૉવેલ લખી. એમણે તો પોતાના તેમ જ અન્યોના ઈસ્લામી- પાકિસ્તાની આતંક પર પ્રગટ થયેલાં લેખ-કૉલમ-ઈન્ટરવ્યૂઝને ચુસ્ત રીતે સંપાદિત-સંકલિત કરીને પુસ્તકરૂપે રજૂ કર્યા છે. આતંકના જથ્થાબંધ વેપારી જેવા પાકિસ્તાનના આકાઓ અને એના પગારદાર આદમીઓ પોતાના દેશ અને દેશની બહાર જાસૂસીની કેવી ગેમ રમે છે એનો ચિતાર આપતાં હજુ એક પુસ્તકે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
એમાં પણ સાચી વાત-ઘટનાઓને વાર્તા સ્વરૂપે પેશ કરવામાં આવી છે. ‘Honour Among Spies’ લખ્યું છે પાકિસ્તાનની કાવાદાવા-જાસૂસી કરતી બદનામ છતાં બહુ પાવરફૂલ એજન્સીના ISI-ICના રિટાયર્ડ ચીફ અસાદ દુરાનીએ. અનેક વિવાદ પછી નિવૃત્ત થયેલા દુરાનીમિયાંએ અહીં પાકિસ્તાની ગુપ્તચર જગતની અનેક ખાનગી વાત એનાં પાત્રો પાસે છતી કરાવી છે. ખાસ કરીને, પાકિસ્તાનમાં લપાયેલા ઓસામા બિન લાદેનના અત્યંત ગુપ્ત નિવાસસ્થાનની જાણ અમેરિકાની ઓબામા સરકારના ક્યા વરિષ્ઠ આર્મી ઑફિસરોને ઈસ્લામાબાદના અમેરિકન ઍમ્બેસીને ક્યા દિવસે-ક્યા સમયે કરવી અને લાદેન પર અમેરિકાની લશ્કરી ટુકડી ત્રાટકે ત્યારે એના કૉપ્ટર્સ રડારમાં ન આવે એ રીતે પાકિસ્તાની લશ્કરે પોતાની આખી આર્મી સિસ્ટમ કઈ રીતે કામચલાઉ ખોરવી નાખવી વગેરે,વગેરે બધી જ આગોતરી ગોઠવણ થઈ. અલબત્ત, પાકિસ્તાનના ટોચના શાસકો અને લશ્કરી અધિકારીઓને કરોડો ડોલરની ‘ગિફ્ટ’ પહોંચાડ્યા પછી! આવી બધી સ્ફોટક અને રોચક માહિતી ‘Honour Among Spies’ નવલકથામાં આપવામાં આવી છે.
જો કે, આ ત્રણેય પુસ્તક કરતાંય સૌથી વધુ ચર્ચા અને વિવાદ જગાડ્યો છે : ‘The Spy Chronicles’ નામના પુસ્તકે, કારણ કે પુસ્તકના જોડિયા લેખકનાં નામ જ જબરાં ચકચાર જગાડનારાં છે. એક લેખક છે આપણી જાસૂસી વીંગ ‘RAW’ના નિવૃત્ત વડા એ.એસ. દુલાત અને બીજા છે પાકિસ્તાનની જાસૂસી એજન્સી ‘ISI’ના રિટાયર્ડ ચીફ અસદ દુરાની. ભારત-પાક જેવા પાડોશી છતાં એક્મેકના ક્ટ્ટર વિરોધી દેશની જાસૂસી સંસ્થાના વડા સામસામા થવાને બદલે બન્ને સાથે બેસીને એક પુસ્તક લખે એ જ આખી દુનિયા માટે અવાક થઈ જવા જેવી અભૂતપૂર્વ ઘટના હતી. બન્ને ગુપ્તચર સંસ્થા એક્મેક પર એમના દેશમાં આંતરિક વિગ્રહ જગાડવાના સતત આક્ષેપ કરતા રહે છે એવા માહોલમાં આ બે નિવૃત્ત ચીફને ઈસ્લામાબાદ- બેંગકોક – કાઠમંડુમાં એકઠા કરીને આ પુસ્તક લખવા માટે તૈયાર કરવાનો શ્રેય જાય છે અન્ય એક અનુભવી પત્રકાર આદિત્ય સિંહાને.
આ પુસ્તકમાં બન્ને અનુભવી ચીફે એકબીજા સામે સ્પાઈ ગેમ રમવાની વાત બાજુએ મૂકીને બન્ને દેશ અને એની પ્રજાને પજવતા ઈસ્લામિક ત્રાસવાદ-કાશ્મીર – ધર્માંધ વૈરી હુમલાને કેમ નિવારવાની ચર્ચા કરી છે. એ જ રીતે, ક્રિકેટ- બોલિવૂડ- ક્ળા-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કઈ રીતે વિકસાવીને બન્ને દેશની પ્રજાને વધુ નજીક કઈ રીતે આણવી એની ચર્ચા-વિચારણા પણ થઈ. …બીજા શબ્દોમાં આ પુસ્તક દ્વારા સમજૂતીનો એક સેતુ તૈયાર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ થયો.… ભવિષ્યની વાત ભવિષ્યમાં પણ આ પુસ્તક પ્રગટ થયા પછી આપણા ‘RAW’ના દુલાતજીને કોઈ સરકારી નડતર આવ્યું નથી પણ ‘ISI’ ના દુરાની મિયાં પર પાકિસ્તાની શાસકો ખરેખર બગડ્યા હતા. હજુ પણ અનેક ખુલાસા એમની પાસેથી માગવામાં આવી રહ્યાં છે. પરિણામે, અસદ દુરાનીએ હમણાં એક વધુ નવલકથા લખવાની શરૂ કરી છે અને એમની સ્પાઈ એજન્સીના વધુ ભાંડા ફોડી દેવાની ત્યાંના શાસકોને ચીમકી પણ આપી છે…!