વાહન ચાલકોને માર્ગદર્શન આપવા માટે કર્મચારીઓને એલર્ટ કરી દેવાયા :
વાહનચાલકોને હેડ લાઈટ ચાલુ કરી વાહન હાંકવાની ફરજ પડી :
( પ્રતિનિધી )વડોદરા,તા.5
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે ગાઢ ધુમ્મસ રહેતા વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા તરફ આવનાર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ગાઢ ધુમ્મસના કારણે દૂર દૂર સુધી વાહનો દેખાવા મુશ્કેલ થઇ ગયા હતા. ધુમ્મસના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે એક્સપ્રેસ હાઇવે ઓથોરીટી દ્વારા એક્સપ્રેસ વે ઉપર લગાવવામાં આવેલા ડિઝીટલ ડિસ્પ્લે તેમજ ટોલ નાકા ઉપર લગાવેલા લાઉડ સ્પિકર દ્વારા એનાઉન્સમેન્ટ ના માધ્યમથી લોકોને વાહનો ધીમે ચલાવવા માટે સૂચના આપવામાં આવી હતી.
શિયાળાની ઋતુમાં ધુમ્મસ છવાતું હોય છે. જેમ સૂર્ય ઉગવાની શરૂઆત થાય તેમ ધુમ્મસ હળવું થાય છે. ત્યારે એક્સપ્રેસ હાઈવેના મેનેજર રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે, એક્સપ્રેસ હાઇવે અને NE – 1પર ધુમ્મસ વધારે હોવાથી વાહન ચાલકોએ સાવધાની પૂર્વક વાહન ચલાવવા વિનંતી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી એક્સપ્રેસ હાઇવે ઉપર ઘાઢ ધુમ્મસ છવાયું હતું. 10થી 15 ફૂટ સુધી વાહનો દેખાવા મુશ્કેલ બન્યા હતા. ધુમ્મસના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે ટોલનાકા ઉપર લગાવવામાં આવેલા લાઉડ સ્પિકર પર વાહન ચાલકોને વાહન ધીરે ચલાવવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી હતી. વડોદરાથી અમદાવાદ સુધી એક્સપ્રેસ વે ઉપર મુકવામાં આવેલા ડિજીટલ ડિસ્પ્લે દ્વારા પણ વાહન ચાલકોને વાહન ધીરે ચલાવવા માટે મેસેજ આપવામાં આવી રહ્યા હતા. આ ધુમ્મસ મોડી સવાર સુધી રહ્યું હતું. સદભાગ્યે અકસ્માતની કોઇ ઘટના બની ન હતી. ધુમ્મસના કારણે ફાસ્ટ ટેગની સેવામાં પણ કોઇ તકલીફ પડી ન હતી. વાહન વ્યવહાર પણ ખોરવાયો ન હતો. માત્ર વાહન ચાલકોને માત્ર ધીમે ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. એક્સપ્રેસ વેના કર્મચારીઓને ધુમ્મસના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે વાહન ચાલકોને માર્ગદર્શન આપવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.