કર્મચારીએ કંપનીના 33 જેટલા લોન ધારક પાસેથી લીધેલા હપ્તાની રકમ પેઢીમાં જમા ન કરાવી
ઉમરેઠ સ્થિત એલ એન્ડ ટી ફાયનાન્સના કર્મચારીએ ચારેક વર્ષ દરમિયાન 33 જેટલા લોન ધારકના નાણા કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાંખ્યાં હતાં. આ અંગે ભાલેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તારાપુરના ઇન્દીરાનગરીમાં રહેતા અજીત કેસરીસિંહ સોઢા પરમાર ઉમરેઠ સ્થિત એલએન્ડટી ફાયનાન્સ કંપનીની બ્રાંચમાં મેનેજર તરીકે 22મી જૂન,2023થી ફરજ બજાવે છે. આ ફાયનાન્સ કંપની વિવિધ ધિરાણ કરે છે. આ ઉપરાંત ગરીબ મહિલાઓના પોતાના સ્વરોજગાર માટે મંડળ બનાવી તેમની જરૂરિયાત અનુસાર ધિરાણ કરવામાં આવે છે. જેમાં મહિલા ગ્રાહકો પાસેથી દર મહિને નક્કી કરેલા હપ્તો કંપનીના કર્મચારી તરીકે ફ્રન્ટ લાઇન ઓફિસર વસુલ કરે છે. જેની જવાબદારી શાખાના આશિષકુમાર મનુભાઈ પટેલ (રહે. પણસોરા, તા. ઉમરેઠ)ને સોંપવામાં આવી હતી. તેઓ 11મી ફેબ્રુઆરી,2019ના રોજ ફ્રન્ટ લાઇન ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. તેઓ ભાલેજ, ભરોડા, દાગજીપુરા, હમીરપુરા, જાખલા, કણભઇપુરા, ખંભોળજ, સરદારપુરા, ઉંટખળી વિગેરે આસપાસના નવ જેટલા મહિલા ગ્રાહકો પાસેથી લોનના હપ્તા ઉઘરાવી કંપનીમાં જમા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ કર્મચારી આશિષ મનુ પટેલ ગ્રાહકો પાસેથી લોનના હપ્તાની રકમ રૂ.1,85,460 ઉઘરાવી લઇ તે રકમ ગ્રાહકોના બ્રાંચમાં આવેલી લોન ખાતામાં જમા કરાવી નહતી અને અંગત કામમાં વાપરી નાંખી હતી. આ બાબત ધ્યાને આવતા ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધવાનું કહેતાં અજીત સોઢા પરમારે ભાલેજ પોલીસ મથકે આશીષકુમાર મનુભાઈ પટેલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.