વલસાડ: વલસાડ રેલવે ગોદી વિસ્તારમાં મંગળવારે સાંજે કચરાના ઢગલામાં અચાનક કોઈ કારણસર આ લાગી હતી. આ આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. આગની જ્વાળા એટલી ભયાનક હતી કે શહેરની સૌથી મોટી આગ જેવી સ્થિતિ ઉભી થઈ હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
રેલવે ગોદીમાં લાગેલી આગની ગંભીરતા જોતા આજુબાજુ આવેલા પેટ્રોલ પંપોને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા હતા. તેમજ તેને બુઝાવવા માટે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી. જેમાં પહેલા એક ફાયર વાહનના પાણીના મારાથી આગ કાબુમા આવી શકી ન હતી. ત્યારબાદ એક પછી એક વધુ 2 વાહનો આવી ગયા હતા. તેમણે વ્યૂહાત્મક રીતે 3 દિશામાંથી પાણીનો મારો ચલાવી આગને 10 મિનિટમાં કાબૂમાં લીધી હતી.
ઘટનાના કારણે સ્ટેશન રોડ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા આખો વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.
આ આગ લગભગ 45 મિનિટ સુધી સતત ચાલી હતી. ત્યાર બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. કચરા સાથે પીવીસી પાઇપ માં પણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. જે દૂરથી દેખાયા હતા. આગની ઘટનાસ્થળે ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે પોલીસ અને આરપીએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી. સાથે જ વલસાડના પ્રાંત અધિકારી વિમલ પટેલે પણ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ આગે શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો જરૂર ઉભા કર્યા છે.