બજારમાં પતંગની દોરીના ભાવમાં સાત ટકાનો વધારો તથા પતંગના ભાવમાં વીસ થી પચ્ચીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે
બજારમાં છ ઇંચ થી લઇને છ ફૂટ સુધીની પતંગ ઉપલબ્ધ
આગામી 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ પર્વ આવી રહ્યો છે અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી માટેનો થનગનાટ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે. શહેરના પતંગ બજારો સજ્જ થઇ ગયા છે.શહેરના ગેંડીગેટ દરવાજા વિસ્તાર,સુશેન સર્કલ વિસ્તાર, નવાપુરા સહિતના વિસ્તારોમાં પતંગોના સ્ટોલ,દુકાનો જોવા મળી રહ્યાં છે જ્યાં વિવિધ પ્રકારની પતંગો, તૈયાર દોરીની રીલ, ફિરકા,ખાલી ચરખા, ચશ્મા, ટોપી તથા દેશી ગુબ્બારા વિગેરે જેવા મળી રહ્યાં છે. પતંગ બજારમાં આ વર્ષે છ ઇંચથી પતંગથી માડીને છ ફૂટ સુધીની પતંગો જોવા મળી રહી છે.બીજી તરફ શહેરમાં માજા રીલ સેન્ટરો પર દોરી સૂતવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં દોરી સૂતાવવા રીતસરનું વેઇટીગ જોવા મળી રહ્યું છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ તથા દોરીના ભાવમાં વધારો હોવા છતાં પણ શહેરના પતંગરસિયાઓમા ઉતરાયણ પર્વને માણવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.શાળાઓમા તા. 12 થી 15જાન્યુઆરી સુધીની રજાઓને કારણે મિનિ વેકેશન પડશે જેના કારણે રવિવારે પતંગ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક તથા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.ઉતરાયણનો પર્વ ઉજવવા પતંગોના પેચ અથવાતો પતંગ યુદ્ધ માટે શહેરીજનો સુસજ્જ થઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ ઉતરાયણ પર્વે લોકો ઉંધીયું તથા જલેબીની જયાફત પણ માણશે તેના માટે વિવિધ મિઠાઇ અને ફરસાણની દુકાનોના વેપારીઓ, કારીગરો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. શહેરમાં ઉતરાયણ પર્વે કરોડોના ઉંધીયું જલેબી સહિત ચિક્કી,બોર અને શેરડીનો લોકો સ્વાદ માણશે
દોરીની કિંમતમાં આ વર્ષે 5 થી 7 ટકાનો વધારો
આ વર્ષે પતંગ બજારમાં પતંગરસિયાઓએ દોરી ખરીદવી થોડી મોઘી બનશે કારણ કે, ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી તથા ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે કપાસના પાકને નુક્સાન થયું હોવાથી દોરીના ભાવમાં પાંચ થી સાત ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ઉત્પાદન સામે માગમાં વધારો છે.આ વર્ષે નવ તારના પાંચ હજાર વાર દોરીનો ભાવ રૂપિયા 800 થી રૂપિયા 1000 સુધીનો છે ખાસ કરીને લોકો વર્ધમાન, સાંકળ આઠ, ગેંડા,એ.કે.56 જેવી દોરીની માંગ લોકોએ તેમની પસંદગી પ્રમાણે કરી રહ્યા છે અમે સાકળ -8અને વર્ધમાન દોરીના ડીલર છીએ અને આ ઓરિજનલ દોરી અહીં વેચાણ કરીએ છીએ ચાઇનીઝ દોરી અમે રાખતા કે વેચતા નથી તેના માટે રીતસરનું બોર્ડ અમારી દુકાનમાં લગાવેલ છે.
-પરાગભાઇ,ડીલર (વર્ધમાન અને સાંકળ -8દોરી)
પતંગના ભાવમાં આ વર્ષે 20 થી 25%સુધીનો વધારો છે
આ વર્ષે પતંગનો માલ ઓછો છે અને તેની સામે માંગ વધુ છે. અમારે ત્યાં છ ઇંચ થી લઇને છ ફૂટ સુધીની પતંગો ઉપલબ્ધ છે. પતંગોમા અલગ અલગ વેરાયટી છે જેમાં આંખદાર પતંગ,કાનદાર પતંગ,લટ્ટુદાર પતંગ,પૂછડીદાર પતંગો ધમાકાદાર પતંગો ઉપલબ્ધ છે. ખાસ કરીને પીવીસી પ્રિન્ટવાળી પતંગોની માંગ વધારે છે કારણ કે દરેક પ્રકારની હવામાં તે ઉડી શકે છે.
પતંગના કાગળ,કમાન માટેના લાકડી,ગમ તથા મજૂરી મોંઘી હોવાથી પતંગના ભાવોમાં વીસ થી પચ્ચીસ ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે પરંતુ આ ભાવવધારાની અસર શહેરના પતંગરસિયાઓને અસર નહીં કરી શકે બજારમાં ખરીદી માટે પતંગરસિયાઓ ની ભીડ હવે ઉમટી રહી છે અને રવિવારે લોકોની ઘરાકી નિકળવાની આશાએ વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.
-સૈયદ મહંમદ ઇકબાલ -હોલસેલ પતંગના વેપારી, ગેંડીગેટ પતંગ બજાર, વડોદરા